બિલ્ડિંગવાસીઓ પૂરતી તકેદારી લે એ માટે સુધરાઈએ કસી કમર

27 July, 2020 01:05 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

બિલ્ડિંગવાસીઓ પૂરતી તકેદારી લે એ માટે સુધરાઈએ કસી કમર

બિલ્ડિંગની લિફ્ટ નજીક પોસ્ટર ચોંટાડ્યા છે પાલિકાએ

ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કોરોના વાઇરસને અંકુશમાં લીધા બાદ બીએમસીએ હવે એનું ધ્યાન બહુમાળી ઇમારતોમાં વાઇરસના ફેલાવાને ડામવા પર કેન્દ્રિત કર્યું છે. બીએમસીએ હાઉસિંગ સોસાયટીઓમાં કમિટી, રહેવાસીઓ, બહારની વ્યક્તિઓ વગેરે માટે તકેદારી વિશેનાં વૉલ-પોસ્ટર્સ થકી જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. વૉર્ડ હેલ્પલાઇન નંબર સાથેનાં પોસ્ટરોનું શહેરભરમાં વિતરણ થશે.
દર વર્ષે બીએમસી ચોમાસામાં મલેરિયા અને ડેન્ગી સામે જાગૃતિ અભિયાન ચલાવતું હતું. મહામારીની સ્થિતિમાં જાગૃતિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સોશ્યલ મીડિયા પર હજારો મેસેજ ફરી રહ્યા છે, પરંતુ લોકો તથ્યો વિશે જાણકારી ધરાવતા નથી. આ પોસ્ટર્સ તેમને તકેદારી લેવામાં અને વાઇરસનો ફેલાવો અટકાવવામાં મદદરૂપ બનશે, એમ બીએમસીના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું.
વાઇરસના ૮૦ ટકા કરતાં વધુ કેસ બિલ્ડિંગોમાંથી આવતા હોવાથી ઍડિશનલ કમિશનર સુરેશ કલકાનીએ પોસ્ટર્સ થકી જાગૃતિ ફેલાવવાની તાકીદ કરી હતી.
સૂચના અનુસાર અમે માહિતી એકઠી કરી હતી અને એના પર કાર્ય કર્યું હતું. એ સોસાયટીના સભ્યો, સમિતિઓ, બહારની વ્યક્તિઓ તથા સૌ લોકો માટે ઉપયોગી નીવડશે એમ ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી (ઓએસડી) સુભાષ દળવીએ જણાવ્યું હતું. અત્યારે ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાંથી નહીં, બલકે બહુમાળી ઇમારતોમાંથી મોટા પાયે કેસ આવી રહ્યા છે એથી બિલ્ડિંગોના રહેવાસીઓએ હવે વાઇરસને દૂર રાખવા માટે કેટલાંક પગલાંનું પાલન કરવું પડશે. આ વૉલ-પોસ્ટર્સ જાગૃતિ ફેલાવવા માટે અમને ઉપયોગી નીવડશે એમ એ વૉર્ડનાં અસિસ્ટન્ટ કમિશનર ચંદા જાધવે
જણાવ્યું હતું.

mumbai mumbai news