જોઈ લો બિલ્ડરોની સ્માર્ટ છેતરપિંડી

02 November, 2012 02:52 AM IST  | 

જોઈ લો બિલ્ડરોની સ્માર્ટ છેતરપિંડી



વરુણ સિંહ


મુંબઈ, તા. ૨

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ચાલી રહેલા પ્રૉપર્ટી એક્ઝિબિશનમાં ૧૨૦ કરતાં વધુ બિલ્ડરો પોતાના ફલૅટનું પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં માત્ર ડઝનેક બિલ્ડરો જ પોતાની પ્રૉપર્ટી કાર્પેટ એરિયા પ્રમાણે વેચી રહ્યા છે. ખરીદદારને કાર્પેટ એરિયાના આધારે જ વેચાણ કરવું એવો નિયમ બિલ્ડરોની સંસ્થા મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ હાઉસિંગ ઇન્ડસ્ટ્રી (એમસીએચઆઇ)એ બનાવ્યો છે એ છતાંય મોટા ભાગના બિલ્ડરો સેલેબલ એરિયા જેવા છેતરામણા શબ્દપ્રયોગના આધારે જ વેચાણ કરી રહ્યા છે.

અજમેરા ગ્રુપ, હીરાનંદાની, લોઢા તથા અન્ય જાણીતા બિલ્ડરો પણ સેલેબલ (જેમાં બિલ્ટ-અપ તથા સુપરબિલ્ટ-અપનો સમાવેશ થાય છે) એરિયાના આધારે વેચાણ કરી રહ્યા છે. તેમના સેલ્સ પ્રતિનિધિને પૂછીએ કે સેલેબલ કે કાર્પેટ તો તરત સેલેબલ એવો જવાબ મળે છે. જોકે આમાં કેટલાક અપવાદો પણ છે. એમસીએચઆઇના પ્રેસિડન્ટ પારસ ગુંડેચા તેમના ફલૅટ કાર્પેટ એરિયાના આધારે વેચી રહ્યા છે તો રુસ્તમજી પણ કાર્પેટ એરિયાના આધારે કિંમત કહી રહ્યા છે.

સપ્ટેમ્બર ૨૦૧૧માં એમસીએચઆઇએ પોતાનો કોડ ઑફ કન્ડક્ટ બહાર પાડ્યો હતો, જેમાં કાર્પેટ એરિયા બિલ્ડરે ખરીદદારને જણાવવો પડશે એમ કહેવામાં આવ્યું હતું. જોકે એક્ઝિબિશનમાં ફલૅટો સેલેબલ એરિયાના આધારે જ વેચવામાં આવે છે. જાહેરાતમાં ભલે કહેવામાં આવતું હોય કે એમસીએચઆઇ હૈ તો ભરોસા હૈ.

બિલ્ડરોએ એવો દાવો કર્યો હતો કે ‘કાર્પેટ એરિયાનો ટ્રેન્ડ ધીમે-ધીમે અમલમાં આવશે. એક્ઝિબિશનમાં કેટલાક બિલ્ડરોએ કાર્પેટ એરિયા મુજબ વેચાણ શરૂ કર્યું છે. થોડા જ વખતમાં તમામ બિલ્ડરો ગ્રાહકોને કાર્પેટ એરિયા જ કહેશે. તમામ ફલૅટ કાર્પેટ એરિયા મુજબ જ રજિસ્ટર્ડ થાય છે. કાર્પેટ એરિયાના આધારે જ ખરીદનાર સ્ટૅમ્પ-ડ્યુટી તથા રજિસ્ટ્રેશન ફી ભરે છે, તેથી તેને કાર્પેટ એરિયાની માહિતી આપોઆપ મળી જાય છે.’

નામ ન જણાવવાની શરતે એક બિલ્ડરે કહ્યું કે ગ્રાહકો જ સુપરબિલ્ટ-અપનો રેટ જાણવા માગે છે. અમે તેમને સેલેબલ એરિયા પણ કહીએ છીએ. બન્ને વચ્ચે ખાસ કોઈ તફાવત નથી. ઉદાહરણ તરીકે જો બિલ્ડર ૫૦૦ સ્ક્વેર ફૂટનો કાર્પેટ એરિયાનો ફલૅટ એક કરોડ રૂપિયામાં વેચવા માગતો હોય તો કિંમત ૨૦,૦૦૦ પ્રતિ સ્ક્વેરફૂટ હશે અને એ જ ફલૅટ સેલેબલ એરિયાના હિસાબે વેચશે તો એરિયા ૮૦૦ સ્ક્વેર ફૂટ થઈ જશે અને કિંમત ઘટીને ૧૨,૫૦૦ રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ થઈ જશે.

હાઉસિંગ મિનિસ્ટર શું કહે છે?

સ્ટેટ હાઉસિંગ મિનિસ્ટર સચિન આહિરના મતે સુધરાઈએ કાર્પેટ એરિયાના પ્લાનને જ મંજૂરી આપવી જોઈએ તેમ જ સ્ટૅમ્પ-ડ્યુટી ડિપાર્ટમેન્ટે પણ કાર્પેટ એરિયાના પ્લાન ધરાવતા ફલૅટને જ રજિસ્ટર કરવો જોઈએ.