જો આગ લાગી તો ફાયર એન્જિન કેવી રીતે અંદર આવશે?

19 January, 2022 08:11 AM IST  |  Mumbai | Shirish Vaktania

આવી છે કાંદિવલીના હંસા હેરિટેજના બિલ્ડરે એ જ રોડ પર બાંધેલા રુઘાણી આર્કેડના દુકાનદારોની ફરિયાદ : એન્ટ્રી-ગેટ પાસે સ્ટ્રક્ચર બનાવી બિલ્ડરે ફ્રૂટ વેન્ડરને ભાડે આપી દીધો હોવાનો આક્ષેપ

કાંદિવલી-વેસ્ટમાંના રુઘાણી આર્કેડની આગળની દુકાનો. (તસવીર : અનુરાગ આહિરે)

કાંદિવલીની હંસા હેરિટેજ સોસાયટીની આગની દુર્ઘટનાના આરોપી અને બિલ્ડર ૮૪ વર્ષના ત્રિભુવન રુઘાણી હવે શૉપિંગ સેન્ટરના મુખ્ય પ્રવેશદ્વાર પર અતિક્રમણ કરવાના મામલે વિવાદમાં સપડાયા છે. બિલ્ડરે શૉપિંગ સેન્ટરનો મુખ્ય એન્ટ્રી-ગેટ ફ્રૂટ્સ વેન્ડરને ભાડે આપી દીધો છે. વેન્ડર અહીં બામ્બુની મદદથી મોટું બાંધકામ ઊભું કરીને ફળની દુકાન ચલાવે છે. ડિસેમ્બરમાં સોસાયટીના સભ્યોએ કાંદિવલી પોલીસને ફરિયાદ કરી હતી અને પોલીસે વેન્ડર તથા બિલ્ડર સામે નૉન-કૉગ્નિઝેબલ ગુનો પણ નોંધ્યો હતો. કૉર્પોરેશને ગેરકાનૂની માળખું તોડી પાડ્યું હોવા છતાં માત્ર પાંચ-છ દિવસમાં ફરી નવી દુકાન ઊભી કરી દેવામાં આવી હતી.
રુઘાણી આર્કેડ શૉપિંગ સેન્ટર કાંદિવલી-વેસ્ટના મથુરાદાસ રોડ પર આવેલું છે અને એમાં ૫૬ દુકાનો છે. સોસાયટીના રહેવાસીઓએ ફરિયાદ કરી હતી કે જો આગજની કે અન્ય કોઈ દુર્ઘટના સર્જાય તો ફાયર-વેહિકલ બિલ્ડિંગની અંદર આવી શકશે નહીં. હંસા હેરિટેજ સોસાયટીમાં આગની દુર્ઘટના બાદ ત્રિભુવન રુઘાણી આગોતરા જામીન પર બહાર છે. શૉપિંગ સેન્ટર ગ્રાઉન્ડ પ્લસ વન છે.

શૉપિંગ સેન્ટરના સેક્રેટરી નિમેશ જોષીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘છેલ્લાં ઘણાં વર્ષોથી બિલ્ડર ત્રિભુવન રુઘાણીએ અમારા શૉપિંગ સેન્ટરનો મુખ્ય ગેટ બ્લૉક કરી દીધો છે અને આ જગ્યા ભાડે આપી દીધી હતી. લોકો શૉપિંગ સેન્ટરમાં કેવી રીતે પ્રવેશશે. લોકોની અવરજવર માટે ફક્ત બહાર નીકળવાનો (એક્ઝિટ) ગેટ જ બચ્યો છે. અમે ગઈ ૮ ડિસેમ્બરે કૉર્પોરેશનને ફરિયાદ કરી હતી અને ૩૦ ડિસેમ્બરે સુધરાઈએ આ ગેરકાનૂની માળખું તોડી પાડ્યું હતું, પણ ચાર-પાંચ દિવસ પછી આ ફ્રૂટ્સ-વેન્ડરે વાંસનું મજબૂત માળખું બનાવીને ફરીથી ફ્રૂટ્સ-શૉપ ચલાવવા માંડી હતી. અમે સુધરાઈને ફરી ફરિયાદ કરી, પણ હજી સુધી કોઈ પગલાં લેવાયાં નથી.’
આ જગ્યા બ્લૉક કરીને ફ્રૂટ્સ-શૉપ ચલાવનારા અશ્વેશ્વર ગુપ્તાએ જણાવ્યું  કે ‘રઘુવંશી બિલ્ડરે મને આ જગ્યા ભાડે આપી છે અને હું મારો ધંધો કરી રહ્યો છું. તમે તેમની સાથે વાત કરો. મેં આ જગ્યાએ અતિક્રમણ નથી કર્યું.’

 

ત્રિભુવન રુઘાણી

રઘુવંશી બિલ્ડરના ત્રિભુવન રુઘાણીએ કહ્યું કે ‘હું આ મામલામાં સંડોવાયેલો નથી. સોસાયટીના સભ્યોએ પણ દુકાનો પર ગેરકાયદે અતિક્રમણ કરીને જગ્યા વધારી છે. મેં આ સ્ટ્રક્ચર ઊભું કર્યું હતું. મેં સભ્યોને મારી પાસેથી સંમતિપત્ર લેવા જણાવ્યું હતું, પણ તેઓ એમ કરવા તૈયાર નથી. મેં આ જગ્યા કોઈને ભાડે આપી નહોતી.’
જ્યારે અમે ત્રિભુવન રુઘાણીને પૂછ્યું કે અશ્વેશ્વર ગુપ્તાએ અમને જણાવ્યું કે તે તમને ભાડું ચૂકવી રહ્યો છે ત્યારે ત્રિભુવન રુઘાણી સ્પષ્ટ જવાબ આપવામાં નિષ્ફળ ગયા હતા.
આના સંદર્ભે સ્થાનિક વૉર્ડ-ઑફિસર સંધ્યા નાંદેડકરનો સંપર્ક કરવાની ‘મિડ-ડે’એ સતત કોશિશ કર્યા છતાં તેમણે ફોન કે મેસેજનો કોઈ જવાબ નહોતો આપ્યો.

mumbai mumbai news kandivli brihanmumbai municipal corporation shirish vaktania