આકૃતિની વિકૃતિ જુઓ : ટૉઇલેટના નામે પણ આપ્યો ફ્લૅટ

03 November, 2011 07:35 PM IST  | 

આકૃતિની વિકૃતિ જુઓ : ટૉઇલેટના નામે પણ આપ્યો ફ્લૅટ



(વરુણ સિંહ)


મુંબઈ, તા. ૩


અંધેરી (ઈસ્ટ)ના દેશના સૌપ્રથમ સ્લમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં બિલ્ડરે પોતાનાં સગાં તથા કંપનીના હોદ્દેદારોને ઝૂંપડાવાસી બનાવીને તેમને ફ્લૅટ અલૉટ કર્યા હતા એટલું જ નહીં, ગેરકાયદે ઝૂંપડાવાસીઓને પણ ફ્લૅટ અલૉટ કરવામાં આવ્યા હતા. મે ૨૦૦૮માં એમઆઇડીસીએ આકૃતિ સિટીને એક પત્ર મોકલ્યો હતો, જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે સ્લમ રીહૅબ કમર્શિયલ બિલ્ડિંગ્સમાં તમે જે ૨૬૦૦ ઝૂંપડાવાસીઓને અલૉટમેન્ટ્સ આપ્યાં છે એમાં એવું બહાર આવે છે કે સંબંધિત અલૉટમેન્ટની બાજુમાં એની યાદી દર્શાવવામાં નથી આવી. અમુક ગાળા હજી પણ આકૃતિ સિટીના કબજામાં છે અને અમુક એકમો ટૉઇલેટ ઍન્ડ ઍઝ એડિશન તરીકે ફાળવવામાં આવ્યા છે.


આકૃતિ સિટીએ એમઆઇડીસીને જે લિસ્ટ આપ્યું હતું એમાં એવું જણાવવામાં આવ્યું છે કે ફ્લૅટનંબર જી-૩ ઝૂંપડાવાસી એએનએલ (આકૃતિ નિર્માણ લિમિટેડ)ને ફાળવવામાં આવ્યો છે. આમાં પણ નંબરનો કોઈ ઉલ્લેખ નથી.


આ જ રીતે બિલ્ડરે ફ્લૅટનંબર ૧૧૧ ટૉઇલેટ નામના ઝૂંપડાવાસીને અલૉટ કર્યો છે. આની સામે પણ નંબર દર્શાવવામાં નથી આવ્યો. ફ્લૅટનંબર ૧૦૭ બિનઅધિકૃત નામના ઝૂંપડાવાસીને અલૉટ કરવામાં આવ્યો છે. એમાં પણ ઍનેક્સ્ચર ટૂ કે પૉકેટ નંબરનો કોઈ ઉલ્લેખ નથી.


ફ્લૅટનંબર ૨૦૭, ૩૦૫, ૭૧૨ અને બીજા અનેક ફ્લૅટ ટેમ્પરરી અલૉટમેન્ટ તરીકે અલૉટ કરવામાં આવ્યા હતા અને એની સામે પણ નંબર દર્શાવવામાં નથી આવ્યા. ફ્લૅટનંબર જી-૧૮ પણ ‘ટૉઇલેટ’ને એક ઝૂંપડાવાસી તરીકે અલૉટ કરવામાં આવ્યો હતો.


આ પ્રશ્ન ઉઠાવનાર સામાજિક કાર્યકર અમિત મારુએ કહ્યું હતું કે ‘બિલ્ડર કોઈ ટૉઇલેટને ફ્લૅટ અલૉટ ન કરી શકે, કારણ કે સ્લમ રૂલ્સમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે ફ્લૅટની અંદર ટૉઇલેટ અને બાથરૂમ હોવાં જોઈએ. આથી આ અલૉટમેન્ટ ખોટું છે.’


આ ઉપરાંત એમઆઇડીસીએ ઑગસ્ટ ૨૦૧૦માં બિલ્ડરને એક પત્ર લખ્યો હતો. એમાં જણાવવામાં આવ્યું હતું કે રીહૅબ બિલ્ડિંગના પૉકેટ નંબર ૧થી ૯માં ગેરકાયદે ઝૂંપડાવાસીઓને અલૉટ કરવામાં આવેલા ૩૮૦ ફ્લૅટ ખાલી કરવામાં આવે. પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ‘તમે ૩૮૦ ફ્લૅટ નૉન-એલિજિબિલ સ્લમ-ડ્વેલરોને અલૉટ કર્યા છે, જે સ્લમ રીહૅબિલિટેશન રૂલ્સ ઍન્ડ રેગ્યુલેશન્સની વિરુદ્ધનું છે. અલૉટમેન્ટ લિસ્ટમાં અમુક યુનિટોને બાલવાડી, સોસાયટી ઑફિસ, ટેમ્પરરી અલૉટમેન્ટ, બિનઅધિકૃત તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ સંદર્ભમાં તમને (બિલ્ડરને) જણાવવામાં આવે છે કે આવા બધા જ એકમો ખાલી કરવામાં આવે.’


‘મિડ-ડે’એ મોકલેલી મેઇલનો જવાબ આકૃતિ સિટી બિલ્ડરે આપ્યો નથી. તેમની ઑફિસના કર્મચારીઓએ પણ આને લગતા પ્રશ્નોના જવાબ આપ્યા નથી. એમઆઇડીસીએ એવો દાવો કર્યો છે કે બિલ્ડરની સામે અમે પગલાં ભર્યા છે. એમઆઇડીસીના ડેપ્યુટી એન્જિનિયર અવિનાશ માળીએ કહ્યું હતું કે ‘બિલ્ડરની પાસેથી એક લાખ સ્ક્વેરમીટર જગ્યા લઈ લેવામાં આવી છે. તેણે કરેલાં બધાં જ ખોટાં કામો માટે અમે તેની સામે પગલાં લીધાં છે.’