આવકમાં ઘટાડા સામે ઝઝૂમતી મહાનગરપાલિકા માટે મહેસૂલવૃદ્ધિ મુશ્કેલ બનશે

05 February, 2020 07:44 AM IST  |  Mumbai | Prajakta Kasale

આવકમાં ઘટાડા સામે ઝઝૂમતી મહાનગરપાલિકા માટે મહેસૂલવૃદ્ધિ મુશ્કેલ બનશે

મુંબઈ મહાનગરપાલિકા માટે મહેસૂલવૃદ્ધિ અનિવાર્ય હોવા છતાં એ કાર્ય તંત્ર માટે કપરાં ચડાણ સમાન બની રહેશે, કારણ કે છેલ્લાં પાંચ વર્ષમાં મહેસૂલી આવકનું પ્રમાણ લગભગ સ્થિર હાલતમાં રહ્યું છે. છેલ્લા દાયકાના પૂર્વાર્ધમાં પાલિકાની આવક પંચાવન ટકા વધી હતી. આવકનું મુખ્ય સાધન ઑક્ટ્રૉય હતું. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તંગીને લીધે મિલકતવેરા અને ડેવલપમેન્ટ પ્લાન ડિપાર્ટમેન્ટ દ્વારા આવક ઘટી હતી. દાયકાના ઉત્તરાર્ધમાં નાનાં રહેઠાણો પરનો મિલકતવેરો માફ કરવાને કારણે આવકમાં ઘટાડા સામે આવકનાં નવાં સાધન ઊભાં ન થતાં પરિસ્થિતિ સાવ વણસી હતી.

૨૦૧૧-’૧૨માં આવક ૧૫,૫૯૫ કરોડ રૂપિયા હતી. ત્યાર પછીનાં ચાર વર્ષમાં ઑક્ટ્રૉયની આવકનું પ્રમાણ યથાવત્ હોવા છતાં મહાનગરપાલિકાની એકંદર આવક વધી હતી. એ પાંચ વર્ષમાં મિલકતવેરાની વસૂલાત દ્વારા પ્રાપ્ત રકમનું પ્રમાણ ૨૦૧૧-’૧૨માં ૩૪૦૦ કરોડ રૂપિયાથી વધીને ૨૦૧૫-’૧૬માં ૫૭૦૦ કરોડ રૂપિયાએ પહોંચ્યું હતું. ડેવલપમેન્ટ પ્લાન ડિપાર્ટમેન્ટની આવક ૨૦૧૧-’૧૨માં ૧૬૦૦ કરોડ રૂપિયાથી વધીને ૬૦૦૦ કરોડ રૂપિયાએ પહોંચ્યું હતું. પરિણામે મહેસૂલનો આંકડો પંચાવન ટકાના વધારા સાથે ૨૪,૨૬૭ કરોડ રૂપિયાએ પહોંચ્યો હતો.

ત્યાર પછીનાં પાંચ વર્ષમાં એ સિલસિલો ન જળવાયો. મહાનગરપાલિકાએ આગલાં વર્ષોમાં એકત્રિત ઑક્ટ્રૉયના આધારે રાજ્ય સરકાર પાસે કમ્પેન્સેશન માગ્યું હતું. એ કમ્પેન્સેશનનું પ્રમાણ વાર્ષિક આઠ ટકાના દરે વધતાં મહાનગરપાલિકાને ઘણી રાહત થઈ હતી. બીજી બાજુ પ્રૉપર્ટી ટૅક્સ અને ડેવલપમેન્ટ ટૅક્સ દ્વારા આવકનું પ્રમાણ ખૂબ ઘટી ગયું હતું. પ્રૉપર્ટી ટૅક્સ કલેક્શન દર વર્ષે ૫૦૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરતું હોવા છતાં મુંબઈ મહાનગરપાલિકા માટે ડિપ્યુટેડ ટૅક્સ વસૂલ કરવાનું મુશ્કેલ બન્યું હતું. નવાં બાંધકામોને અપાતી પરવાનગી દ્વારા વાર્ષિક આવકનું પ્રમાણ ઘટીને ૧૫૦૦ કરોડ રૂપિયાએ પહોંચ્યું હતું. એ પ્રમાણ ૨૦૧૫-’૧૬માં એ બાબતની આવકની તુલનાએ પચીસ ટકા ઓછું છે.

આ પણ વાંચો : હવે મુંબઈ મહાનગરપાલિકામાં પર્યટન વિભાગ શરૂ થશે

આવકનાં નવાં સાધન ઊભાં કરવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ ગયું છે. પાલિકાના ભૂતપૂર્વ કમિશનરો સીતારામ કુંટે અને અજૉય મેહતાએ ઝૂંડાવાસીઓ પાસેથી પ્રૉપર્ટી-ટૅક્સ વસૂલ કરવા અને પ્રૉપર્ટીના દરેક સોદા પર એક ટકો સરચાર્જ વસૂલ કરવા જેવાં સૂચન કર્યાં હતાં, પરંતુ એ સૂચન કાગળ પર જ રહ્યાં હતાં.

mumbai mumbai news budget 2020 brihanmumbai municipal corporation prajakta kasale