રોજ રાતે બારીમાંથી બેડરૂમમાં સૂઈ રહેલી ભાભીને જોતા રિક્ષાચાલકની દિયરે હત્યા કરી

23 November, 2021 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૩ વર્ષના સોપાન પંજેએ રિક્ષાચાલકને આવું ન કરવા માટે વૉર્નિંગ આપી હોવા છતાં સુધરતો ન હોવાથી તેનું મર્ડર કરી નાખ્યું

હત્યાના આરોપી સોપાન પંજે સાથે કલ્યાણના ખડકપાડા પોલીસની ટીમ.

રાતના સમયે લોકોના બેડરૂમમાં ડોકિયાં કરવાની ખરાબ આદતને લીધે કલ્યાણના ખડકી વિસ્તારમાં રહેતા ૫૧ વર્ષના એક રિક્ષાચાલકે જીવ ગુમાવવો પડ્યો હતો. વહેલી સવારે બારીમાંથી ભાભીને જોતો હોવાની જાણ થયા બાદ મહિલાના ૨૫ વર્ષના દિયરે રિક્ષાચાલકની હત્યા કરી હતી. પોલીસે આ કેસમાં યુવકની ધરપકડ કરી છે. 
પોલીસે જણાવ્યું કે ‘કલ્યાણના ઉંબર્ડે ગામમાં રહેતા ૫૧ વર્ષના અભિમાન ભંડારી નામના રિક્ષાચાલકની બે દિવસ પહેલાં વહેલી સવારે કોઈકે ધારદાર શસ્ત્રથી હત્યા કરી હતી. તે દરરોજ કલ્યાણના એક ઘરમાં  મહિલાને બારીમાંથી જોતો હતો એટલે ગુસ્સે ભરાયેલા એ મહિલાના દિયરે આ હત્યા કરી હોવાનું તપાસમાં જણાતાં સોપાન પંજે નામના ૨૩ વર્ષના યુવકની ખડકપાડા પોલીસે ધરપકડ કરી છે.’
પોલીસે આરોપીના નોંધેલા નિવેદનમાં તેણે કહ્યું કે ‘મરનાર રિક્ષાચાલક અભિમાન ભંડારી અમારા ઘરમાં દરરોજ રાતે સૂઈ રહેલી ભાભીને બારીમાંથી જોતો હોવાની જાણ થયા બાદ તેને આમ ન કરવાનું કહ્યું હતું છતાં તેણે બારીમાંથી ઘરમાં ડોકાવાનું ચાલુ જ રાખ્યું હતું. શનિવારે સવારે પણ તે અમારા ઘર પાસે આવ્યો ત્યારે ગુસ્સામાં મેં તેના પર હુમલો કર્યો હતો.’ 
કલ્યાણના ખડકપાડા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અશોક પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉંબર્ડે ગામમાં રહેતા રિક્ષાચાલક અભિમાન ભંડારીની શનિવારે સવારે થયેલી હત્યાના આરોપસર અમે સોપાન પંજેની ધરપકડ કરી છે. ગુસ્સામાં તેણે રિક્ષાચાલક પર ધારદાર શસ્ત્રથી હુમલો કર્યો હતો.’
ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે રિક્ષાચાલકની હત્યાની ઘટના બનતાં ઉંબર્ડે ગામમાં ખળભળાટ મચી ગયો હતો. ખડકપાડા પોલીસે હત્યાનો કેસ નોંધીને આરોપીને પકડવાના પ્રયાસ હાથ ધર્યા હતા. તપાસમાં હત્યા બીજા કોઈએ નહીં, પણ મરનાર રિક્ષાચાલક જે ઘરમાં કાયમ બારીમાંથી ડોકિયાં કરતો હતો એ ઘરમાં રહેતા યુવકે જ હત્યા કરી હોવાનું જણાતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

Mumbai mumbai news mumbai crime news Crime News