ત્રણ વર્ષના ભાઈએ બચાવી લીધો જીવ

07 January, 2021 08:13 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

ત્રણ વર્ષના ભાઈએ બચાવી લીધો જીવ

આ ડ્રેનેજ લાઇનમાં પડતાં બાળકની હાલત ગંભીર થઈ (ડાબે), ગુજરાતી ટ્વિરન્સમાંના પ્રિયાંશ (ઍરો કર્યો છે એ)નો જીવ ભાઈ પ્રણવે બચાવ્યો હતો

જુહુ ગલીની બીએમસી ચાલમાં ખુલ્લા પડેલા ડ્રેનેજના પાણીમાં  ટ્વિન્સ ભાઈમાંનો પ્રિયાંશ રમતાં-રમતાં પડી ગયો તો તેના ભાઈ પ્રણવે ઘરે દોડતા જઈ આની જાણ કરી: છથી આઠ ફુટ ઊંડા ખાડામાં અતિશય ગંદકીવાળા પાણીમાં પડેલા પ્રિયાંશને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યો ને હૉસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો

અંધેરી (વેસ્ટ)માં જુહુ ગલીમાં આવેલી બીએમસી ચાલમાં રહેતા ૩ વર્ષના ટ્વિન્સ ભાઈનો સાથ છૂટતાં બચી ગયો હતો. પ્રિયાંશ અને પ્રણય બેરડિયા તેમની ચાલમાં બાળકો સાથે રમતા હતા ત્યારે ત્યાં તોડી નાખવામાં આવેલા સાર્વજનિક ટૉઇલેટની ડ્રેનેજ લાઇનમાં પ્રિયાંશ પડી ગયો હતો. લગભગ છથી આઠ ફુટના ગંદા પાણીના ખાડામાં પડતાં પ્રિયાંશ બેભાન થઈ ગયો હતો, પરંતુ સમયસર પ્રણય દોડતો ઘરે ગયો અને પરિવારજનોને ઘટના વિશે વાત કરતાં બધા ઘટનાસ્થળે પહોંચ્યા અને ભારે જહેમતે પ્રિયાંશને બહાર કાઢવામાં આવ્યો હતો. ગંભીર હાલતમાં તેને કૂપર હૉસ્પિટલમાં આઇસીયુમાં ઍડ્મિટ કરાયો છે અને ત્યાં સારવાર લઈ રહ્યો છે. જોકે બીએમસીની લાપરવાહીના કારણે બાળકનો જીવ જતો તેના ભાઈએ બચાવી લીધો હતો.

પરિવાર ભારે આઘાતમાં

આ બનાવ બાદ બેરડિયાપરિવાર ભારે આઘાતમાં છે એમ કહેતાં યજ્ઞેશ બેરડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા મોટા ભાઈ દીપકના આ બન્ને પ્રિયાંશ અને પ્રણવ ૩ વર્ષના ટ્વિન્સ દીકરાઓ છે. મંગળવારે સાંજે બાળકો રમતાં હતાં ત્યારે પ્રિયાંશ ટૉઇલેટની પાસે ખુલ્લી પડેલી ડ્રેનેજ લાઇનમાં પડ્યો હતો. ત્યાં આશરે છથી આઠ ફુટનો ખાડો છે. એમાં એટલી ગંદકી છે કે ઊભા પણ રહી શકાતું નથી. એમાં તે પડી જતાં તેની કેવી હાલત થઈ હશે એ સમજી શકાય છે. પ્રિયાંશ ગંદા પાણીવાળા ખાડામાં પડતાં પ્રણવ ભાગતો આવ્યો અને ભાઈ પડી ગયો એમ કહ્યું ત્યારે અમને ખબર પડી. અમે બધા ભાગતા ત્યાં ગયા અને તેને કાઢતાં પણ અમને ભારે પડી ગયું હતું. બનાવ બાદ પરિવારજનો ખૂબ આઘાતમાં સરી પડ્યા છે.’

છેલ્લા અનેક મહિનાઓથી કામ રખડી પડ્યું છે

બાળકને હૉસ્પિટલમાં લઈ જઈને ઍડ્મિટ કરવામાં મદદ કરનાર ત્યાંની પ્રભાગ સમિતિનાં અધ્યક્ષ સુધા સિંહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બીએમસી ચાલમાં રહેલા આ ટૉઇલેટને આશરે છેલ્લા આઠ મહિના પહેલાં તોડી પાડીને રિનોવેશન કરવામાં આવી રહ્યું હતું, પરંતુ છેલ્લા અનેક મહિનાઓથી આ કામ બંધ જ પડ્યું છે. બીએમસીના સંબંધિત વિભાગ સાથે વાત કરતાં તેમનું કહેવું છે કે નકશામાં ટૉઇલેટનો પ્લાન બેસી રહ્યો નથી. આવાં કારણોસર કામ છેલ્લા ઘણા વખતથી બંધ પડેલું છે. કૉન્ટ્રૅક્ટરે કામ ચાલુ હોય ત્યાં સુરક્ષાના દૃષ્ટિકોણથી પતરાં તો લગાડવાં જોઈએને? આ અકસ્માત બાદ કૉન્ટ્રૅક્ટરને સતત ફોન કરવામાં આવતાં તેનો ફોન બંધ આવી રહ્યો છે.’

સ્થાનિક લોકોમાં રોષ

આ વિશે અહીંના એક ગુજરાતી યુવાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીએમસી ચાલમાં અંદર આવતાં જ એક બાજુએ આઠથી દસ ટૉઇલેટ સ્થાનિક લોકોની સુવિધા માટે બનાવી રાખ્યાં હતાં. અહીંના અમુક જ લોકોનાં ઘરમાં ટૉઇલેટ છે, અન્ય બધા સાર્વજનિક ટૉઇલેટનો ઉપયોગ કરે છે. ટૉઇલેટ તોડી પાડતાં લોકોએ ભારે હેરાન થવું પડે છે અને દૂર સુધી ટૉઇલેટ માટે જવું પડે અને એના કારણે ખાસ કરીને મહિલાઓને વધુ ત્રાસ વેઠવો પડે છે.’

mumbai mumbai news andheri brihanmumbai municipal corporation preeti khuman-thakur