બહેનને કૉલગર્લ તરીકે ઓળખાવે છે ભાઈ?

04 August, 2012 07:40 AM IST  | 

બહેનને કૉલગર્લ તરીકે ઓળખાવે છે ભાઈ?

 

 


(અકેલા)


મુંબઈ, તા. ૪

 

રક્ષાબંધનના દિવસે બહેનો ભાઈના હાથ પર રાખડી બાંધે છે, પણ અમેરિકામાં સ્થાયી થયેલી બાવન વર્ષની ગુજરાતી મહિલા કુસુમ હરસોરાએ ગુરુવારે રક્ષાબંધનના દિવસે પોતાના એક ૪૮ વર્ષના ભાઈ પ્રદીપ હરસોરા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેનો ભાઈ તેના મિત્રવતુર્ળમાં તેની ઓળખ એક હાઈ પ્રોફાઇલ કૉલગર્લ તરીકે આપે છે. સામાજિક લાંછનની બીક હોવા છતાં પોતાના ભાઈને પાઠ શીખવવા માટે જ અમેરિકામાં આર્કિટેક્ટ તરીકે કામ કરી ચૂકેલી કુસુમ હરસોરાએ આ વાતને જગજાહેર કરી છે.

 

કુસુમ અને તેની માતાએ એવો આક્ષેપ કર્યો હતો કે તેમના પરિવારની ૩૦૦ કરોડ રૂપિયાની સંપત્તિમાંથી તેમને હાંકી કાઢવા માટે પ્રદીપ તેમને હેરાન કરી રહ્યો છે. પ્રદીપે તેની માતાને ભોજન, દવાઓ તથા મેડિકલ ટ્રીટમેન્ટ આપવાનું બંધ કરી દેતાં અમેરિકામાં આર્કિટેક્ટ તરીકે કામ કરતી કુસુમ તેમની સંભાળ લેવા ભારત આવી હતી.

 

મહાલક્ષ્મીના ભૂલાભાઈ દેસાઈ રોડ પર આવેલા સમર વિલાનાં નિવાસી કુસુમ હરસોરાએ કહ્યું હતું કે ‘છેલ્લાં બે વર્ષથી આ યાતના હું સહન કરતી આવી છું. આ ગાળામાં દરરોજ ૪૦ જેટલા કૉલ મારા ફોન પર આવે છે. કેટલાક અજાણ્યા હોય છે તો કેટલાક પોતાનું સાચું નામ પણ જણાવે છે. એક કૉલ તો રિટાયર્ડ અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસનો પણ હતો. તમામ સેક્સ-ચૅટ કરવા માટેના કૉલ હોય છે. તેઓ મને એક હાઈ પ્રોફાઇલ પ્રોસ્ટિટuૂટ સમજે છે. મેં કેટલાક કૉલરોને મળીને કારણ જાણવાનો પ્રયત્ન કર્યો તો મને ખબર પડી કે તેમને મારો નંબર મારા ભાઈએ આપ્યો હતો.’

 

૩૧ જુલાઈએ માનસિક યાતના વધી જતાં કુસુમ હરસોરાનાં ૭૭ વર્ષનાં માતા પુષ્પા હરસોરાએ ગામદેવી પોલીસનો સંપર્ક કરીને લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. પુષ્પા હરસોરાને ત્રણ દીકરાઓ પ્રદીપ, વિજય તથા જિતેન્દ્ર છે અને એક પુત્રી કુસુમ છે.  

 

પુષ્પા હરસોરાએ પોલીસ-ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પ્રદીપે તેમને ભોજન, દવાઓ તથા મેડિકલ ટ્રીટમેન્ટ આપવાનું બંધ કરી દેતાં અમેરિકામાં આર્કિટેક્ટ તરીકે કામ કરતી કુસુમ તેમની સંભાળ લેવા ભારત આવી હતી. પ્રૉપર્ટીમાં ભાગ લેવા માટે કુસુમ આવી હોવાની શંકા પ્રદીપ હરસોરાને હતી. અન્ય એક ભાઈ વિજય હરસોરાએ કહ્યું હતું કે ‘પ્રૉપર્ટીને લગતા ખોટા ડૉક્યુમેન્ટ્સ પણ પ્રદીપે બનાવ્યા હતા. ખોટું વસિયતનામું અને પ્રૉપર્ટીમાં ભાગીદારીના ખોટા ડૉક્યુમેન્ટ્સની મદદથી બૅન્કમાંથી લોન પણ મેળવી હતી.’

 

પ્રદીપ હરસોરાના ખરાબ વર્તનને જોઈને તેમના પરિવારજનોએ ગામદેવી પોલીસ-સ્ટેશન, ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશન તથા ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગમાં તેની વિરુદ્ધ ઘણી ફરિયાદો પણ નોંધાવી છે. પ્રદીપના એક ભાઈ જિતેન્દ્ર હરસોરાએ કહ્યું હતું કે ‘હાઈ ર્કોટમાં પણ તેની વિરુદ્ધ બે કેસ દાખલ કર્યા છે. ગિરગામ ર્કોટમાં પણ ફૉર્જરી, છેતરપિંડી તથા ઘરેલુ હિંસા સહિત ચાર જેટલા કેસ તેમ જ રજિસ્ટ્રાર ઑફિસમાં પણ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે.’

 

પ્રદીપ હરસોરાનું શું કહેવું છે?

 

હું મારા મિત્રવતુર્ળમાં મારી બહેનની ઓળખ એક હાઈ પ્રોફાઇલ કૉલગર્લ તરીકે આપું છું એવી મારી વિરુદ્ધ નોંધાવવામાં આવેલી નવી ફરિયાદ વિશે મને કોઈ માહિતી નથી એમ જણાવીને પ્રદીપ હરસોરાએ કહ્યું હતું કે ‘મારા પરિવારને ફરિયાદો કરવાની આદત પડી ગઈ છે. મારી માતા અંગ્રેજી જાણતી નથી. તેઓ માત્ર ગુજરાતી જાણે છે. મારી બહેન કુસુમ તથા ભાઈ જિતેન્દ્ર મારી વિરુદ્ધ ફરિયાદો કરી રહ્યાં છે. પ્રૉપર્ટી માટે તેઓ ફરિયાદ કરી રહ્યાં છે. ડોમેસ્ટિક વાયોલન્સ લૉ (ઘરેલુ હિંસાના કાયદા)નો તેઓ ગેરલાભ ઉઠાવી રહ્યાં છે. હું તેમને ત્રાસ નથી આપતો, તેઓ મને ત્રાસ આપી રહ્યાં છે. મારી માતા મારી સાથે રહે છે એમ મેં ર્કોટમાં લેખિતમાં જણાવ્યું હતું તો હું તેને કેવી રીતે હેરાન કરું.’