બ્રાની આ જાહેરખબર વાંધાજનક છે?

17 October, 2012 02:56 AM IST  | 

બ્રાની આ જાહેરખબર વાંધાજનક છે?



હેમલ આશર

મુંબઈ, તા. ૧૭

છેલ્લા કેટલાક સમયથી શહેરમાં બ્રેસ્ટ-કૅન્સર માટે જાગૃતિ ફેલાવવા મંદિરા બેદી હાથમાં બ્રા પકડીને ઊભી હોય અને મહિલાઓને બ્રેસ્ટ-કૅન્સરથી બચવા માટે સાવધ રહેવાનો સંદેશ આપતી હોય એવી લગાવવામાં આવેલી જાહેરાત બહુ ચર્ચાસ્પદ બની છે. હકીકતમાં જાણીતાં સોશ્યલાઇટ દેવિકા ભોજવાણીના ફાઉન્ડેશન વુમન્સ કૅન્સર ઇનિશિયેટિવ દ્વારા મહિલાઓમાં બ્રેસ્ટ-કૅન્સર વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી હાલમાં સાઉથ મુંબઈમાં જસલોક હૉસ્પિટલ પાસે, મહાલક્ષ્મીમાં કૅડબરી હાઉસ સામે તથા ચોપાટીમાં આ જાહેરાતનાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે. જોકે હાલમાં જ્યારે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (ટીએમસી) પાસે થાણેમાં બ્રેસ્ટ-કૅન્સર વિશે જાગૃતિ ફેલાવવા આ જાહેરાત લગાવવાની મંજૂરી માગવામાં આવી ત્યારે એણે એ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

સાઉથ મુંબઈમાં જસલોક હૉસ્પિટલ પાસે, મહાલક્ષ્મીમાં કૅડબરી હાઉસ સામે તથા ચોપાટીમાં આ જાહેરાતનાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે. જોકે હાલમાં જ્યારે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (ટીએમસી) પાસે થાણેમાં બ્રેસ્ટ-કૅન્સર વિશે જાગૃતિ ફેલાવવા આ જાહેરાત લગાવવાની મંજૂરી માગવામાં આવી ત્યારે એણે એ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

ટીએમસીનાં પૉલ્યુશન કન્ટ્રોલ ઑફિસર મનીષા પ્રધાને આ વિશે કહ્યું હતું કે ‘આ  જાહેરાતનું જે વિઝ્યુઅલ છે એ અમને અયોગ્ય લાગ્યું છે. અમે આ રીતે બ્રા દેખાડતી જાહેરાત ન બતાવી શકીએ. જો આ ચિત્ર બદલવામાં આવે અને સામાજિક સંદેશ યોગ્ય રીતે દેખાડવામાં આવે તો અમે ચોક્કસ જાહેરાતને મંજૂરી આપીશું. અમને જાહેરાતના સંદેશ સામે કોઈ જ વાંધો નથી, પણ અભિવ્યક્તિના પ્રકાર સામે વાંધો છે. અમે બ્રેસ્ટ-કૅન્સર વિરુદ્ધ જાગૃતિ ફેલાવવાના મહત્વથી સારી રીતે વાકેફ છીએ. ટીએમસી એના મહત્વથી સારી રીતે માહિતગાર છે, પણ આ સંદેશ ફેલાવવા માટે જેમાં બ્રા દેખાડવામાં આવી હોય એવી સામાજિક રીતે અયોગ્ય લાગે એવી જાહેરાતને લગાડવાની મંજૂરી ન આપી શકીએ.’

મનીષા પ્રધાનના આ તર્ક સામે દલીલ કરતાં દેવિકા ભોજવાણીએ ગુસ્સામાં કહ્યું હતું કે ‘ટીએમસીએ મૉડલ મંદિરા બેદી હાથમાં બ્રા પકડીને ઊભી છે એ અયોગ્ય લાગે છે એવું કારણ આગળ ધરીને આ જાહેરાત લગાવવાની પરવાનગી નથી આપી. મને જણાવવામાં આવ્યું છે કે બ્રેસ્ટ-કૅન્સર માટેની જાગૃતિ માટેની જાહેરાતમાં બ્રા દેખાડવી અયોગ્ય છે. મને આ વાત સમજાતી નથી. શહેરમાં બધી જગ્યાએ લૉન્જરી બનાવતી કંપનીઓની જાહેરાતમાં બ્રા પહેરેલી મૉડલ્સ દેખાડવામાં આવે છે, પણ આ વસ્તુ સુરુચિપૂર્ણ રીતે દેખાડાયેલી જાહેરાતમાં સ્વીકાર્ય નથી. અમારો હેતુ ઉદ્દેશ તરફ લોકોનું ધ્યાન ખેંચવાનો છે અને બહુ જાણીતી ક્રીએટિવ ઍડ એજન્સીએ આ જાહેરાત તૈયાર કરી છે. આ કૅમ્પેનને અમલમાં મૂકતાં પહેલાં બહુ વિચાર કરવામાં આવ્યો હતો. બ્રેસ્ટ-કૅન્સર વિશે જાગૃતિ ફેલાવવાના આટલા મહત્વના પ્રોજેક્ટની જાહેરાતને આવા નજીવા કારણસર મંજૂરી ન મળે એ બહુ હાસ્યાસ્પદ બાબત છે.’

આ વિવાદ વિશે વાત કરતાં તાતા મેમોરિયલ હૉસ્પિટલના ડિરેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર બડવેએ કહ્યું હતું કે ‘આ વ્યક્તિગત વિચારધારાનો મુદ્દો છે અને હું એના પર સીધી કોઈ કમેન્ટ ન કરી શકું. હું એટલી આશા રાખી શકું કે ટીએમસી અને બીજી મહાનગરપાલિકાઓ બ્રેસ્ટ-કૅન્સરની શક્ય એટલી જલદી જાણ થાય એ માટેની જાગૃતિ ફેલાય એ દિશામાં સક્રિય પ્રયાસો કરશે, કારણ કે અત્યારે અમારી પાસે જે કેસ આવે છે એમાંથી મોટા ભાગના કેસ વકરી જાય પછી જ સારવાર માટે આવે છે અને પછી સાજા થવાની શક્યતા બહુ ઓછી થઈ જાય છે. આજે ભારતમાં ૭૦ ટકા જેટલી મહિલાઓ અને મુંબઈમાં ૩૦થી ૪૦ ટકા જેટલી મહિલાઓ બ્રેસ્ટ-કૅન્સર બહુ વધી જાય છે પછી જ સારવાર માટે જાગ્રત બને છે.’

તાતા મેમોરિયલ હૉસ્પિટલના મેડિકલ ઓન્કોલૉજીના પ્રોફેસર તેમ જ વુમન્સ કૅન્સર ઇનિશિયેટિવના જનરલ સેક્રેટરી ડૉક્ટર સુદીપ ગુપ્તા કહ્યું હતું કે ‘જો ટીએમસીને આ જાહેરાત અયોગ્ય લાગતી હોય તો એ એનો ઓપિનિયન છે. મને તો આ જાહેરાત બિલકુલ અશ્લીલ કે બીભત્સ નથી લાગતી. આમાં એક યોગ્ય સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બ્રેસ્ટ-કૅન્સર જેવી સમસ્યાને નાથવા માટે લોકોમાં જાગૃતિ ફેલાય એ જરૂરી છે.’

ક્વિક ફૅક્ટ્સ

સામાન્ય રીતે ઑક્ટોબર મહિનાની ઉજવણી બ્રેસ્ટ-કૅન્સર માટેની જાગૃતિ ફેલાવવા માટેના મહિના તરીકે થાય છે.

બ્રેસ્ટ-કૅન્સરનો સિમ્બૉલ પિન્ક રિબન છે.

આ મહિને બ્રેસ્ટ-કૅન્સર વિશે જાગૃતિ ફેલાય એ માટે શહેરમાં બાંદરા-વરલી સી-લિન્કને ગુલાબી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

બ્રેસ્ટ-કૅન્સર વિશે જાગૃતિ ફેલાય એ માટેના પ્રોજેક્ટમાં અનેક સેલિબ્રિટીઓ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે સક્રિય છે.

ભૂતપૂર્વ ટેનિસસ્ટાર માર્ટિના નવરાતિલોવા બ્રેસ્ટ-કૅન્સરનો ભોગ બનીને એમાંથી બચી ગયેલી સેલિબ્રિટી છે.