તમારો સવારનો બ્રેકફાસ્ટ થયો મોંઘો

12 January, 2022 10:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈંધણના ભાવવધારાને કારણે થયો બ્રેડના ભાવમાં બેથી પાંચ રૂપિયા સુધીનો થયો વધારો

પ્રતીકાત્મક તસવીર

ખાદ્ય ફુગાવો ઊંચો જવાને કારણે બ્રેડના ભાવમાં બેથી પાંચ રૂપિયાનો વધારો થયો છે. બ્રિટાનિયા અને વિબ્સ સહિતની મોટા ભાગની બ્રૅન્ડે બ્રેડના ભાવ વધારી દીધા છે.
હજી ૨૦૨૦માં જ ૪૦૦ ગ્રામ વાઇટ બ્રેડની કિંમત ૨૮થી વધારીને ૩૦ રૂપિયા કરવામાં આવી હતી. હવે એમઆરપી ૩૩ રૂપિયા થઈ ગઈ છે.
એક બેકરીના માલિકે જણાવ્યું હતું, ‘આ માટે મુખ્યત્વે ઈંધણનો ભાવવધારો જવાબદાર છે. પીએનજી અને કમર્શિયલ ગૅસ-સિલિન્ડરના ચાર્જ છેલ્લા ચાર-પાંચ મહિનામાં લગભગ બમણા થઈ ગયા છે. વળી ખાદ્ય તેલના ભાવ પણ વધી ગયા છે.’
વેન્ડર્સ અને સૅન્ડવિચ સ્ટૉલના માલિકોએ જણાવ્યા પ્રમાણે વિબ્ઝનો મોટો લોફ અગાઉ ૬૦ રૂપિયામાં મળતો હતો, એની કિંમત હવે ૬૫ રૂપિયા થઈ ગઈ છે. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સની ફૅમિલી કોર્ટ નજીક ૪૦ વર્ષ જૂનો સૅન્ડવિચ સ્ટૉલ ચલાવનારે કહ્યું કે ‘મેં લૉકડાઉનમાં થયેલા નુકસાનને સરભર કરવા માટે હજી તો ૩૧ ડિસેમ્બરે જ સૅન્ડવિચનો ભાવ વધાર્યો હતો, પણ માંડ એકાદ-બે દિવસ પછી જ બ્રેડની કિંમત વધી ગઈ અને મને મળતો નફો ધોવાઈ ગયો હોવા છતાં હું ફરી પાછો ભાવ વધારી નહીં શકું.’

mumbai mumbai news