બ્રાઝિલિયન માતાને જન્મ્યો બે માથાંવાળો દીકરો

23 December, 2011 06:32 AM IST  | 

બ્રાઝિલિયન માતાને જન્મ્યો બે માથાંવાળો દીકરો



બ્રાઝિલમાં પચીસ વર્ષની મારિયા ડી નાઝરેએ સોમવારે વહેલી સવારે કૉન્જૉઇન્ડ ટ્વિન્સનાં લક્ષણો ધરાવતા એક દીકરાને જન્મ આપ્યો છે. આ વર્ષે બ્રાઝિલમાં કૉન્જૉઇન્ડ ટિ્વન્સના જન્મની આ બીજી ઘટના છે. આ દીકરાને બે વિકસિત મગજ ધરાવતાં બે મસ્તક્ તથા બે કરોડરજ્જુ છે, પણ તેમનાં શરીર એકબીજા સાથે જોડાયેલાં હોવાને કારણે તેઓ સામાન્ય બાળકની જેમ એક હૃદય, એક લિવર અને એક જ જોડી ફેફસાં ધરાવે છે. ૯.૯ પાઉન્ડ વજન ધરાવતા આ બાળકનો જન્મ ઇમર્જન્સી સિઝેરિયન દ્વારા કરાવવામાં આવ્યો હોવા છતાં અત્યારે તે એકદમ સ્વસ્થ છે.

સામાન્ય રીતે આ પ્રકારના ટ્વિન્સને સર્જરીથી અલગ પાડવાનું શક્ય નથી હોતું અને તેમણે આખું જીવન સાથે જ ગાળવું પડે છે. આ ટ્વિન્સની માતા મારિયા જ્યારે સગર્ભા હતી ત્યારે તેને જણાવવામાં આવ્યું હતું કે તે જોડિયાં સંતાનોને જન્મ આપવાની છે, પણ પછી ક્રમશ: તબીબી તપાસ પછી ડૉક્ટરોને ખબર પડી હતી કે બે મગજ અને બે કરોડરજ્જુ ધરાવતો આ ગર્ભ એક જ હૃદય, લિવર તથા એક જોડી ફેફસાં ધરાવે છે. જોકે આમ છતાં મારિયાએ આ સંતાનને જન્મ આપવાનો નિર્ણય લીધો હતો. આ સંતાનનું આગમન ક્રિસમસની ઉજવણી વખતે થયું હોવાને કારણે મારિયાએ આ સંતાનોને ઇમૅન્યુઅલ અને જીઝસ નામ આપ્યાં છે.