રામ મંદિરના મુદ્દે માલવણીમાં મચમચ

24 January, 2021 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામ મંદિરના મુદ્દે માલવણીમાં મચમચ

પ્રતીકાત્મક તસવીર

રામ મંદિરના નિર્માણના કાર્ય માટે દેશભરમાંથી ફાળો ભેગો કરવામાં આવી રહ્યો છે ત્યારે મલાડમાં રામ મંદિર નિર્માણનાં પોસ્ટર પોલીસ દ્વારા જ દૂર કરાયાં હોવાથી મામલો ગરમાયેલો જોવા મળ્યો હતો. પોસ્ટર્સ દૂર કરાતાં રોષે ભરાયેલા લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. મામલાની ગંભીરતાને લીધે ગઈ કાલે મલાડના માલવણી પોલીસ સ્ટેશનમાં વિરોધી પક્ષ નેતા પ્રવીણ દરેકર, બીજેપીના ઉત્તર મુંબઈના ધારાસભ્ય ગોપાલ શેટ્ટી, ધારાસભ્ય વિજયભાઈ ગિરકર સહિત અનેક કાર્યકર્તાઓ પહોંચ્યા હતા તેમ જ પોસ્ટર દૂર કરનારા સામે પોતાનો વિરોધ દાખવીને કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

બીજેપીના વરિષ્ઠ નેતાઓએ માલવણી પોલીસ સ્ટેશન પહોંચીને ડીસીપીની મુલાકાત લીધી હતી અને રામ મંદિર નિર્માણનાં પોસ્ટર્સ દૂર કરવાં સામે જવાબ માગ્યો હતો. પોસ્ટર દૂર કરવાને કારણે બીજેપી કાર્યકર્તાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં કાર્યકરોએ ભેગા થઈને જય શ્રીરામનો નારો લગાવીને વિરોધ દાખવ્યો હતો. અયોધ્યામાં બની રહેલા મંદિર માટે લોકો એટલા ઉત્સુક છે અને બીજી બાજુ આ રીતે પોસ્ટર ફાડીને દૂર કરી દેવાયાં હોવાથી નારાજગી દાખવવામાં આવી છે. સ્થાનિક બીજેપી કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચીને એ વિશે પૂછપરછ કરવા લાગ્યા હોવાથી પોલીસે તેમની સામે કેસ બનાવવાનું શરૂ કરી દીધું હોવાનો પણ આરોપ મુકાયો છે. ૧૫ જાન્યુઆરીની રાતે માલ‍વણી પરિસરમાં અયોધ્યાના રામ મંદિર નિર્માણનાં પોસ્ટર લગાડ્યાં હતાં, પરંતુ એને ઉતારી દેવાયાં હતાં. એથી પોસ્ટર લગાડનારા લોકોએ પોલીસ સ્ટેશન જઈને જય શ્રીરામની ઘોષણા કરતાં હંગામો કર્યો હતો.

આ વિશે માલવણી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શેખર ભાલેરોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘માલવણીમાં લગાડેલાં પોસ્ટર નીકળી ગયાં હતાં અને લટકી રહ્યાં હોવાથી ખરાબ ન થાય એટલે કાઢી નખાયાં હતાં, પરંતુ એ બદલ ગેરસમજ ઊભી થઈ છે. બીજેપીના નેતા અને કાર્યકરોએ આવીને એ વિશે યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવાની માગણી કરતો નિવેદન પત્ર સોંપ્યો હતો. એથી આ મામલે વરિષ્ઠ અધિકારીઓ તપાસ કરીને યોગ્ય એવી કાર્યવાહી કરશે.’

mumbai mumbai news malad ram mandir bharatiya janata party mumbai police