ન ચૂકવેલો ૫૦૦૦ રૂપિયાનો પગાર માલિકને પડ્યો પૂરા ૩.૩૦ કરોડ રૂપિયામાં

24 January, 2021 08:35 AM IST  |  Mumbai | Mehul Jethva

ન ચૂકવેલો ૫૦૦૦ રૂપિયાનો પગાર માલિકને પડ્યો પૂરા ૩.૩૦ કરોડ રૂપિયામાં

પ્રતીકાત્મક તસવીર

૫૦૦૦ રૂપિયાનો પગાર માલિકે ન આપતાં બોરીવલીમાં એક બસ-ડ્રાઇવરે પાંચ બસોને આગ ચાંપી દઈને માલિકનું ત્રણ કરોડ ત્રીસ લાખ રૂપિયાનું નુકસાન કર્યું છે. એક અઠવાડિયામાં પાંચ બસમાં આગ લાગતાં પોલીસને શંકા ગઈ હતી જેના આધારે તપાસ કરતાં સીસીટીવી કૅમેરાના આધારે પોલીસને ખબર પડી હતી કે આ તો બસમાં આગ લાગી નથી, લગાડવામાં આવી છે. સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં રાતના સમયે બસને આગ ચાંપવા આવતો આરોપી પોલીસને દેખાયો હતો.

બોરીવલીમાં ન્યુ લિન્ક રોડ પર શુભમ પાર્કિંગ લૉટમાં ૧૭ જાન્યુઆરીએ સવારે ૩ બસ બળી ગઈ હતી. ફાયરબ્રિગેડના અધિકારીને પ્રાથમિક માહિતીમાં શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું, પણ ત્યાર બાદ ૨૧ જાન્યુઆરી બે બસ એ જ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. આ બસમાં બૅટરી ન હોવાથી શૉર્ટ સર્કિટ થવાની શક્યતા ન હોવાથી પોલીસને એમાં શંકા ગઈ હતી. એના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસને જાણ થઈ હતી કે આ એક જ ટ્રાવેલ્સ આત્મારામ ટ્રાવેલ્સની બસો જ માત્ર બળી રહી છે.

એમએચબી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પોપટ યેલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું જે રીતે આગની ઘટના બની હતી એને જોતાં અમને દાળમાં કાળું લાગતાં અમે તપાસ હાથ ધરી હતી અને એમાં સીસીટીવી કૅમેરાના આધારે અમને એક વ્યક્તિ ઘટના દરમ્યાન બસની બાજુમાં આવતો નજરે પડી રહ્યો હતો. ત્યાર બાદ એ ઓરોપી વ્યક્તિની તપાસ કરીને ધરપકડ કરી હતી. આરોપી અજય સારસ્વતે કબૂલ કર્યું હતું કે ‘મારા માલિકે પગારના ૫૦૦૦ રૂપિયા ન આપતાં મેં તેમની બસને આગ ચાંપી દીધી હતી.’

આરોપી દહિસરમાં રહે છે. લૉકડાઉનમાં બસ બંધ હોવાથી બસમાલિકે બસનું ઇન્શ્યૉરન્સ કઢાવ્યું નહોતું જેથી પાંચ લક્ઝરી બસ બળી જવાથી બસમાલિકને ત્રણ કરોડ ૩૦ લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

mumbai mumbai news borivali mehul jethva