27 May, 2023 12:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરોપીઓ સાથે પોલીસની ટીમ
બોરીવલી-ઈસ્ટમાં કાર્ટર રોડ નંબર પાંચ પર આવેલી એક હાઉસિંગ સોસાયટીમાં દારૂ પીને દીવાલ કૂદીને જવાની કોશિશ કરનાર મૂળ નાશિકના સચિન નાના કાળે ઉર્ફે પ્રવીણ શાંતારામ લહાણેની ચોર સમજીને બે વૉચમેન અને સોસાયટીના ગુજરાતી રહેવાસીઓએ બામ્બુ અને ગડદાપાટુથી મારઝૂડ કરી હતી. એ પછી પ્રવીણ લહાણેનું પોલીસ લૉક-અપમાં જ મૃત્યુ થવાથી બંને વૉચમેન અને ત્રણ ગુજરાતી રહેવાસીઓની કસ્તુરબા માર્ગ પોલીસે ધરપકડ કરી છે.
કસ્તુરબા પોલીસે આરોપીઓ સામે સદોષ મનુષ્યવધ પરંતુ હત્યાનો ઇરાદો નહીં એ કલમ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રવીણ લહાણે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં કામ કરતા અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટરનો ભાઈ છે.
ગુરુવારે મધરાત બાદ ૧.૩૦ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. કસ્તુરબા પોલીસ સ્ટેશનને ફોન કરીને માહિતી આપવામાં આવી કે ચોરી કરવાના ઇરાદે સોસાયટીમાં ઘૂસેલા ચોરને પકડ્યો છે.
સીસીટીવી કૅમેરાના ફુટેજમાં પણ પ્રવીણ દીવાલ કૂદીને આવતો હોવાનું દેખાય છે. એથી કસ્તુરબા માર્ગ પોલીસની ટીમે ત્યાં જઈને નશામાં ધુત પ્રવીણ લહાણેને તાબામાં લીધો હતો અને ત્યાર બાદ તેને મેડિકલ કરાવવા શતાબ્દી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી તેને પાછો લાવીને પોલીસ સ્ટેશનમાં બેસાડ્યો હતો. ત્યારે તે બેભાન થઈ ગયો હતો. એ પછી તેને ફરી હૉસ્પિટલમાં લઈ જવાયો ત્યારે મૃત જાહેર કરાયો હતો.
ત્યાર બાદ કસ્તુરબા પોલીસે પ્રવીણ લહાણેની મારઝૂડ કરનાર બન્ને વૉચમેન જોરાસિંહ ભટ્ટ અને જનક ભટ્ટ સહિત સોસાયટીના હર્ષિત ગાંધી (૩૨ વર્ષ), મનીષ ગાંધી (૫૨ વર્ષ) અને હેમંત રાંભિયા (૫૪ વર્ષ)ની ધરપકડ કરી હતી.