બોરીવલી-વેસ્ટમાં ટીપીએસ રોડ પર ગટરની ગંદકીનો ત્રાસ

02 November, 2012 07:10 AM IST  | 

બોરીવલી-વેસ્ટમાં ટીપીએસ રોડ પર ગટરની ગંદકીનો ત્રાસ



બોરીવલી-વેસ્ટમાં ટીપીએસ (મુનિ સુવ્રત ચોક) રોડ પર ગટર સાફ કરી એની ગંદકીના ઢગલા રોડ પર મૂકી દીધા છે જેને કારણે આ વિસ્તારથી પસાર થતા લોકોને હાલાકી ભોગવવી પડે છે. સુધરાઈ દ્વારા વરસાદ પહેલાં ૩૧ મે સુધીમાં ગટરો સાફ કરવાની ડેડલાઇન હતી. જોકે વરસાદ ગયા પછી વિવિધ જગ્યાઓ પર ગટરની સફાઈ કરવામાં આવી છે. સમયસર ગટરોની સફાઈ ન કરવાથી લોકોને મુશ્કેલી પડતાં સુધરાઈએ છેક ઑક્ટોબર મહિનામાં ગટરોની સફાઈ કરી છે, પરંતુ એની ગંદકી હજીયે રોડ પર પડેલી છે જેને કારણે આમ જનતાને હેરાન થવું પડે છે.

રોડ પર પડેલી ગટરની ગંદકીને કારણે રસ્તા પર ચાલવામાં મુશ્કેલી પડે છે. આ વાત કરતાં આ વિસ્તારથી પસાર થતા અશોક દવેએ કહ્યું હતું કે ‘રોજ હું આ રોડ પર આવેલા વીર સાવરકર ગાર્ડનમાં જાઉં છું, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી રસ્તાની કિનારે ગટર સાફ કરીને એની ગંદકીના ઢગલા પડ્યા છે અને એને કારણે ચાલવામાં તકલીફ પડે છે’.

રોડની કિનારે જૂસ, સૅન્ડવિચ વગેરેનું વેચાણ કરતા ફેરિયાઓ બેસે છે. તેમની પાસે જ ગટરની ગંદકી પડેલી છે. એના પર ફેરિયાઓએ કંતાન ઢાંકી દીધાં છે.  આ વિસ્તારથી પસાર થતાં રૂપલ પોરિયાએ કહ્યું હતું કે ‘રોડની કિનારે પડેલી ગટરની ગંદકી ઝડપથી હટાવી દેવામાં આવે તો સારું.’

ટીપીએસ = ટાઉન પ્લાનિંગ સ્કીમ