બોરીવલી-વેસ્ટના રામનગરમાં કચરાપેટીની ગંદકીનો ત્રાસ

26 July, 2012 04:39 PM IST  | 

બોરીવલી-વેસ્ટના રામનગરમાં કચરાપેટીની ગંદકીનો ત્રાસ

એનો મોટા ભાગનો કચરો રસ્તા પર પથરાયેલો હોય છે તેમ જ તેની પાસેની ફૂટપાથની હાલત પણ ખરાબ છે. ફૂટપાથ પરની ગટરનાં ઢાંકણાં તૂટી ગયાં છે. આમ રસ્તા પર પથરાયેલી કચરાની ગંદકી અને ફૂટપાથની ખરાબ હાલતને કારણે આ વિસ્તારના લોકોને હાલાકી ભોગવવી પડે છે.

 

આ વિસ્તારમાં રહેતા કિરણ શેઠે કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં મૂકવામાં આવેલી કચરાપેટી કચરાથી છલકાઈ જાય છે. રસ્તા પર પડેલી કચરાની ગંદકી અને એની ગંદી વાસને કારણે રોડ પર ચાલવું ભારે લાગે છે. મારે શાકભાજી લેવા કે ઘર માટે અન્ય ચીજવસ્તુની ખરીદી કરવા આ રોડથી ચાલીને સાંઈબાબાનગર સુધી જવું પડે છે. ઘણા વખતથી આ રોડ પર કચરાપેટી મૂકેલી છે, પરંતુ એનો મોટા ભાગનો કચરો રસ્તા પર પડેલો હોય છે તેમ જ એની પાસેની ફૂટપાથ પર પણ ગંદકી પડેલી હોય છે અને ગટરનાં ઢાંકણાં તૂટી ગયાં છે. રોડ પર પથરાયેલી કચરાની ગંદકી અને ફૂટપાથની ખરાબ હાલતને કારણે લોકોને નાછૂટકે રોડ પરથી ચાલીને જવું પડે છે.’

આ વિસ્તારમાં આવેલી શ્રદ્ધા ટેલરના જયંતી માંડલિયાએ કહ્યું હતું કે ‘કચરાપેટીનો કચરો રોડ પર પથરાયેલો રહેતો હોવાથી આ વિસ્તારથી પસાર થતા લોકોને હેરાન થવું પડે છે. કચરાની ગંદકીને કારણે વરસાદમાં અહીં માખી-મચ્છરોનો ત્રાસ વધી જાય છે. મારો તો આ રોજનો રસ્તો છે. કચરાપેટી પાસેથી પસાર થતી વખતે કચરાની ગંદી વાસને કારણે હેરાન થવું પડે છે. આ સમસ્યાનો ઝડપથી નિકાલ આવે તો સારું.’

બીજેપી = ભારતીય જનતા પાર્ટી

કૉર્પોરેટર શું કહે છે?

આ વિસ્તારનાં બીજેપીના નગરસેવિકા બીના દોશીએ આ સંદર્ભમાં કહ્યું હતું કે ‘રામનગરમાં જ્યાં કચરાપેટી મૂકેલી છે એનાથી ઉદ્ભવતી લોકોની સમસ્યા દૂર કરવા માટે કચરા વિભાગના અધિકારીને સાથે લઈને રસ્તા પરની કચરાપેટી યોગ્ય જગ્યાએ શિફ્ટ કરવા માટેનું મારું પ્લાનિંગ છે. રોડ પરની ફૂટપાથ સરખી કરવા તેમ જ ગટરનાં ઢાંકણાં માટેનું કામ પણ ગણેશોત્સવ પહેલાં કરાવવું છે. હાલમાં વરસાદમાં કામ થઈ શકે નથી. થોડો ઉઘાડ નીકળશે કે તરત ફૂટપાથનું અને ગટરનું કામ કરવામાં આવશે.’