09 September, 2025 12:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કામોઠેની જ્વેલરી શૉપમાં ધાડ પાડીને નાસેલો ચોર બોરીવલી સ્ટેશન પાસેથી ઝડપાયો
બોરીવલી-ઈસ્ટના કસ્તુરબા માર્ગ પોલીસ-સ્ટેશનની ટીમે પૅટ્રોલિંગ દરમ્યાન બોરીવલી સ્ટેશન પાસે શંકાસ્પદ રીતે ફરી રહેલા શખ્સની તપાસ કરતાં તે પનવેલના કામોઠે વિસ્તારમાંથી ચોરી કરીને નાસ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. એટલું જ નહીં, તેની પાસેથી ૭૮ તોલાના સોનાના દાગીના, ૧૮ નાના હીરા અને ૧,૩૯,૨૦૦ રૂપિયાની રોકડ સહિતની ચોરાયેલી મતા જપ્ત કરવામાં આવી હતી.
આરોપી કરણસિંહ નાથુસિંહ ખારવાર મૂળ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના કેલવા ગામનો રહેવાસી છે. કસ્તુરબા માર્ગ પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે તેણે શનિવારે પનવેલના કામોઠેમાં આવેલી પારસનાથ જ્વેલર્સમાં ચોરી કરી હતી. કસ્તુરબા માર્ગ પોલીસે આ સંદર્ભે નવી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ પાસે માહિતી કઢાવતાં ચોરી થઈ હોવાની વાત કન્ફર્મ થઈ હતી.