બોરીવલી : દીકરીનું હાડપિંજર મેળવવા માટેનાં માતાપિતાનાં વલખાં

07 December, 2011 09:58 AM IST  | 

બોરીવલી : દીકરીનું હાડપિંજર મેળવવા માટેનાં માતાપિતાનાં વલખાં



બોરીવલી (ઈસ્ટ)માં અઢી વર્ષ પહેલાં મારી નાખવામાં આવેલી ત્રણ વર્ષની પુત્રીનું હાડપિંજર પોલીસ પાસેથી પાછું મેળવવાની માગણી ઉપેન્દ્ર રાય તથા તેના પરિવારજનો કરી રહ્યા છે. ૨૦૦૯ની ૧૪ ઑક્ટોબરે શ્રેયા ઘરેથી ગુમ થઈ ગઈ હતી. ૫૦ દિવસ પછી તેના ઘરથી ૩૦૦ મીટર દૂર આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પાસેથી તેનું હાડપિંજર મળી આવ્યું હતું. આ હત્યામાં શ્રેયાનો પાડોશી મુખ્ય આરોપી હોવા છતાં ત્રણ વર્ષ બાદ પણ આ કેસને ઉકેલવામાં કસ્તુરબા પોલીસ-સ્ટેશનને સફળતા નથી મળી. દરમ્યાન શ્રેયાના પેરન્ટ્સે પોતાની દીકરીનું હાડપિંજર મેળવવા ઘણી જગ્યાએ દાદ માગી હતી.

ઉપેન્દ્ર રાયે ફૉરેન્સિક અધિકારી રોમા ખાનના દાવાના આધારે હાઈ ર્કોટમાં પિટિશન કરીને શ્રેયાની હત્યા બલિ ચઢાવવા માટે કરવામાં આવી હોવાની વાત કરી હતી. હાઈ ર્કોટે મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હોવા છતાં આ કેસમાં કોઈ પ્રગતિ નથી થઈ. અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ૧૧)ના જયવંત હરગુડેના મતે તેમને શ્રેયાનું હાડપિંજર પેરન્ટ્સને આપવા સામે કોઈ વાંધો નથી, પરતું આ માટે ર્કોટ પાસેથી એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) લાવવું જરૂરી છે.

કેસ શું હતો?

ત્રણ વર્ષની શ્રેયાનું હાડપિંજર કન્સસ્ટ્રક્શન સાઇટ પરથી મળ્યું હતું. ૧૦ વર્ષના એક છોકરાએ શ્રેયાને તેના પાડોશીની સાથે અંબામાતાના મંદિર નજીક જોઈ હતી. એ સંબંધે છોકરાના સંબંધી એવા મંદિરના પૂજારી ઉમાશંકર પાંડેની ૨૦૦૯ની ૧૧ ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને બીજા દિવસે જ જામીન મળી ગયા હતા. ત્યાર બાદ પોલીસે ૧૦ વર્ષના તે બાળકની ઘણી પૂછપરછ કરી હતી, પરંતુ કશું વાંધાજનક નહોતું મળ્યું.

પોલીસે શ્રેયાના મૃત્યુનું રહસ્ય ઉકેલવા ૨૦૧૦ની ૯થી ૧૮ જુલાઈ સુધી કૉમ્બિંગ ઑપરેશન પણ હાથ ધર્યું હતું છતાં કોઈ પરિણામ નહોતું આવ્યું.