બોરીવલીના તીનમૂર્તિમાં થઈ સમારોહ દરમ્યાન મારામારી

15 March, 2023 09:53 AM IST  |  Mumbai | Mehul Jethva

પોલીસે આ ઘટનામાં ત્રણ જણની ધરપકડ કરી છે અને એક આરોપીની શોધ ચલાવી રહી છે

પ્રતીકાત્મક તસવીર

બોરીવલીના એક જૈન મંદિરમાં રવિવારે હોળી પછીનો ઢુંઢ (ખાસ કરીને મારવાડી સમાજમાં પૌત્રના જન્મની ઉજવણી કરવા માટે થતો સમારોહ) સમારોહ યોજવામાં આવ્યો હતો. દરમ્યાન સંગીત પર નાચતી વખતે એક યુવકને ધક્કો વાગતાં વાત મારઝૂડ પર પહોંચી હતી, જેમાં કાચનો ગ્લાસ એક યુવાનના હાથ પર મારતાં તેને સાત ટાંકા આવ્યા હતા. એ પછી આ ઘટનાની ફરિયાદ કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં ત્રણ જણની ધરપકડ કરી છે અને એક આરોપીની શોધ ચલાવી રહી છે.

ધારાવીમાં રાજીવ ગાંધી નગર વિસ્તારની એક સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષના રોનક લક્ષ્મીલાલ દેવરાએ કરેલી ફરિયાદ અનુસાર રવિવારે સાંજે બોરીવલી નૅશનલ પાર્કની બાજુમાં આવેલા તીનમૂર્તિ જૈન મંદિરમાં દર વર્ષે હોળી પછીના રવિવારે ઢુંઢ સમારોહનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોનક મમ્મી-પપ્પા અને ભાઈ ઉત્તમ તથા મિત્ર દીપક સાથે આવ્યો હતો. સાંજે સાડાસાત વાગ્યે ડીજેનો પ્રોગ્રામ ચાલુ હતો એ દરમ્યાન નાચી રહેલા ઉત્તમને નિખિલ જૈન નામના યુવકનો ધક્કો લાગ્યો હતો. ઉત્તમે તેને સંભાળીને નાચવા માટે કહેતાં નિખિલે તેની મારઝૂડ ચાલુ કરી હતી. ભાઈને બચાવવા રોનક વચ્ચે પડતાં નિખિલના મિત્ર અજય જૈન, ભગવતી જૈન અને વિનોદ જૈને મળી રોનક અને ઉત્તમની મારઝૂડ કરી હતી. આ મારઝૂડમાં કાચનો ગ્લાસ રોનકના હાથમાં લાગ્યો હતો. હાથમાંથી પુષ્કળ લોહી નીકળતાં તેને આસ્થા હૉસ્પિટલમાં ઇલાજ માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનો હાથ ગંભીર રીતે ઝખમી થતાં તેને સાત ટાંકા આવ્યા હતા. એ પછી આ ઘટનાની જાણ કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી.

કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ અહ‍્‍‍વાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે. અન્ય એક આરોપીની અમે શોધ ચલાવી રહ્યા છીએ. પ્રાથમિક માહિતીમાં એવું સામે આવ્યું છે કે એકબીજાને માત્ર ધક્કો લાગતાં મારઝૂડ સુધી વાત પહોંચી હતી, જેમાં ફરિયાદી ગંભીર રીતે ઝખમી થયો હતો.’

mumbai mumbai news borivali mumbai crime news Crime News mehul jethva