17 December, 2025 07:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
બોરીવલીના શિમ્પોલી રોડ પર આવેલી વિટ્ટી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ફીમાં મોટો વધારો કરવામાં આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે અને હવે આ સામે તપાસની માગણી કરવામાં આવી છે. વાલીઓએ આ અયોગ્ય ફી વધારા સામે અવાજ ઉતાવી, તેને અનિયમિત અને સ્વીકાર્ય મર્યાદાથી વધુ ગણાવી છે. આ મામલે ચિંતિત વાલીઓએ શાળાના ફી વધારાના પગલાં અંગે ફરિયાદ નોંધાવવા માટે ભાજપના સેવાલય કાર્યાલયનો સંપર્ક કર્યો છે. શાળા પ્રશાસનને આ મામલે અનેક વખત વાત કરવા માટે કહેવાનું આવ્યું હોવા છતાં તે થયું નથી. શાળાના પ્રતિનિધિઓ આ મુદ્દાને ઉકેલવા માટે આયોજિત બેઠકોમાં હાજરી આપી રહ્યા નથી. શાળા પ્રશાસન તરફથી પ્રતિભાવના અભાવને લીધે વિવાદ વધ્યો છે, જેનાથી વાલીઓમાં પણ ગુસ્સો છે.
વાલીઓએ કહ્યું કે “વિટ્ટી ઇન્ટરનેશનલ સ્કૂલે મહારાષ્ટ્ર સરકારની શાળા ફી વધારા અંગેની સ્પષ્ટ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું છે.” સરકારે શાળાઓને વાલીઓ પાસેથી વધુ પડતાં પૈસા વસૂલતા અટકાવવા માટે ચોક્કસ નિયમો અને મર્યાદાઓ નક્કી કરી છે, જેથી ખાતરી થાય કે ફી વાજબી અને બધા પરિવારો માટે સુલભ રહે. આ નિયમો હોવા છતાં, વાલીઓનો આરોપ છે કે શાળા નિયમોની અવગણના કરી રહી છે અને કોઈ પણ વ્યાજબી કારણ વગર ફી વધારી રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, એક ચિંતિત વાલીએ રાજ્ય સ્તરે આ મુદ્દાને સંબોધીને બાબતોને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું છે. આ મામલે ટૂંક સમયમાં માનનીય મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક ઔપચારિક લેખિત અરજી કરી તેમને નિર્ણાયક પગલાં લેવા અને શાળાની માન્યતા રદ કરવા વિનંતી કરવામાં આવશે.
આ મુદ્દે વાલીઓ બોરીવલીના ધારાસભ્ય સુધી પહોંચ્યો હતો અને તેમણે ફરિયાદોનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, જોકે હવે તે વીડિયો ડિલીટ કરી દેવામાં આવ્યો છે. આ વીડિયોના આધારે આ લેખ લખવામાં આવ્યો હતો. તેમ જ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ વાલીઓ સાથે સંપર્કમાં છે અને આ મુદ્દે વધુ માહિતી આપવામાં આવશે. પણ મોટા પ્રમાણમાં ફી વધારાના મુદ્દાનો ઉકેલ ન આવતાં, વાલીઓ અધિકારીઓ તરફથી આગળની કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે.
શાળા પ્રશાસને ઘણા કિસ્સાઓમાં ફી વધારા અંગે પૂછપરછ કરવા માટે આવેલા અથવા સંપર્ક કરનાર વાલીઓ સાથે અપમાનજનક વર્તનનો કર્યું હોવાનું કહેવાય છે. ખાસ કરીને મહિલા વાલીઓએ અયોગ્ય ભાષા અને અસંવેદનશીલ વર્તન કરવાનો પણ આરોપ કર્યા છે. ફી વધારાનો મુદ્દો વધી રહ્યો તે વચ્ચે પણ શાળા દ્વારા માતાપિતાને નિયમિત મેલ કરવામાં આવી રહ્યા છે. વિટ્ટી વર્લ્ડના ગ્લોબલ કેર ઑફિસર ફ્લેશિયા જોસેફ દ્વારા એક લેટર મેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં માતાપિતાને શૈક્ષણિક વર્ષ 2026-27 માટે સિનિયર કેજી પ્રવેશ માટે ફોર્મ સબમિટ કરવા વિનંતી કરવામાં આવી હતી. ફોર્મ, પોસ્ટ-ડેટેડ ચૅક સાથે, 15 ડિસેમ્બર, 2025 પહેલાં શાળા કાર્યાલયમાં આ બધુ સબમિટ કરવાનું છે.