બોરીવલીની કૉલેજે વિદેશપ્રવાસ રદ તો કર્યો, પણ ટૂરના રૂપિયા પાછા ન આપ્યા

21 June, 2020 06:25 PM IST  |  Mumbai | Shirish Vaktania

બોરીવલીની કૉલેજે વિદેશપ્રવાસ રદ તો કર્યો, પણ ટૂરના રૂપિયા પાછા ન આપ્યા

કોવિડ-19 મહામારીને કારણે બોરીવલીના આદિત્ય ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચ (એઆઇએમએસઆર) કૉલેજે વિદ્યાર્થીઓ માટેના આંતરરાષ્ટ્રીય પ્રવાસને રદ કરી દીધો અને તેમની વિદેશપ્રવાસની ફીને ઉમેરારૂપ અભ્યાસક્રમમાં રૂપાંતરિત કરી દીધી છે. જોકે વાલીઓ વિદેશપ્રવાસની ફી પાછી માગી રહ્યા છે, જે રકમ પ્રત્યેક વિદ્યાર્થીદીઠ ૮૦,૦૦૦ રૂપિયા છે. વાલીઓનો આક્ષેપ છે કે કૉલેજ મૅનેજમેન્ટે ફી પાછી ન કરવી પડે એથી તેમને જાણ કર્યા વિના આ અભ્યાસક્રમ ઉમેર્યો છે.

એઆઇએમએસઆર કૉલેજ બોરીવલી-વેસ્ટના સાંઈબાબા નગરમાં છે, જ્યાં મૅનેજમેન્ટના અભ્યાસમાં પોસ્ટ ડિપ્લોમાની ફી બે વર્ષ માટે ૭.૬૨ લાખ રૂપિયા છે. બીજા વર્ષે કૉલેજ વિદ્યાર્થીઓને સાઉથ કોરિયામાં હ્યુન્દેઈ મોટર્સ અને સૅમસંગ કંપની ટૂર પર મોકલે છે, પરંતુ આ વર્ષે એ શક્ય નથી.

એઆઇએમએસઆરનાં ડિરેક્ટર સુનીતા શ્રીવાસ્તવે ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘કોવિડ-19ને કારણે અમે આંતરરાષ્ટ્રીય પ્રવાસ રદ કર્યો હતો, જે ડિપ્લોમા અભ્યાસક્રમનો ભાગ છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસ પાછળનો અમારો મુખ્ય ઉદ્દેશ વિવિધ સંસ્કૃતિઓ વિશે જાણકારી મેળવવાનો છે. અમારા વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે અન્ય વિદ્યાર્થીઓ સાથે સંકળાય છે, જે તેમને માટે લાભદાયી છે, પણ આ વર્ષે શિક્ષણ આપવાનું ફૉર્મેટ બદલાવાથી અમારે અમારી શિક્ષણની શૈલી એ મુજબ બદલવી પડી હતી. એક સંસ્થા તરીકે અમે અભ્યાસક્રમ ઉમેરવાનો અધિકાર ધરાવીએ છીએ અને તમામ વિદ્યાર્થીઓ માટે એ ફરજિયાત છે. અમે આંતરરાષ્ટ્રીય પ્રવાસની ફી પાછી નહીં આપી શકીએ.’

એક વાલીએ ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘આંતરરાષ્ટ્રીય પ્રવાસ હવે બે વર્ષ માટે અશક્ય છે. અમે ડિરેક્ટરને આંતરરાષ્ટ્રીય પ્રવાસની ફી ઘટાડવા અને ફી ચૂકવી દેનાર વિદ્યાર્થીઓનાં નાણાં પાછાં આપવાનું લેખિતમાં જણાવ્યું છે. મૅનેજમેન્ટ અમારા પત્રનો જવાબ પાઠવી રહ્યું નથી. તેમણે એક બિઝનેસ કોર્સ ઉમેર્યો છે, જે ૨૫ કલાકનો છે અને એની ફી ૮૨,૦૦૦ રૂપિયા છે. અમે આ આંતરરાષ્ટ્રીય કોર્સ કરવા માગતા નથી, કારણ કે આ કોર્સ ઑનલાઇન  બે-ત્રણ હજાર રૂપિયામાં કરી શકાય છે.’

અન્ય વાલીએ જણાવ્યું કે ‘કૉલેજે આગામી બે દિવસમાં ફી ન ચૂકવી તો ટ્રાન્સફર સર્ટિફિકેટ જારી કરવાની ધમકી ઉચ્ચારી છે. લૉકડાઉનને કારણે કેટલાક વાલીઓએ નોકરી ગુમાવી દીધી છે એવા સમયે કૉલેજ અમને જાણ કર્યા વગર કોર્સ ઉમેરી રહી છે. ડિરેક્ટર વિદ્યાર્થીઓને ભરમાવી રહ્યા છે.’

mumbai mumbai news borivali shirish vaktania