બોરીવલીના બિલ્ડિંગમાંથી મોંઘાં જૂતાં ચોરતી બે મહિલા-ચોરની શોધખોળ ચાલુ

29 June, 2025 06:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગાર્ડને એવું લાગે છે કે તેઓ કામવાળી છે. ઘટના બની ત્યારે હાજર સિક્યૉરિટી ગાર્ડે કહ્યું હતું કે મને તો વીસ જ દિવસ થયા છે અહીં ડ્યુટી પર.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

બોરીવલીના જય દેવકી સોસાયટીની A વિંગમાંથી રહેવાસીઓનાં જૂતાં ચોરાવાના બનાવો સામે આવ્યા છે. ફ્લૅટની બહાર લૉબીમાં શૂ-રૅકમાં મૂકેલાં નાઈકીનાં બે શૂઝની ચોરીનો બનાવ CCTV કૅમેરામાં કેદ થયો હતો.

બિલ્ડિંગનાં રહીશ દિશા કાનલનાં ૮૦૦૦ રૂપિયાનાં અને ફેણી ગજ્જરનાં ૧૨,૦૦૦ રૂપિયાનાં શૂઝ ચોરાઈ ગયાં હતાં. તેમણે જણાવ્યું હતું કે શૂ-રૅકમાં સ્કેચર્સનાં મોંઘાં શૂઝ પણ હતાં છતાંય આ શૂઝ નવાં હોવાથી ચોરાઈ ગયાં હશે.

CCTV કૅમેરાના ફુટેજ મુજબ રવિવારે સાંજે ૬.૩૦ વાગ્યે બે અજાણી મહિલાઓ બિલ્ડિંગમાં પ્રવેશે છે અને ૨૦ મિનિટ બાદ બિલ્ડિંગની બહાર નીકળી જાય છે. સીડી પર CCTV કૅમેરા નથી, પરંતુ આ મહિલાઓ  છેલ્લે સાતમા માળે દેખાય છે. સિક્યૉરિટી-રજિસ્ટરમાં પણ તેમણે એન્ટ્રી કરી નથી. ગાર્ડને એવું લાગે છે કે તેઓ કામવાળી છે. ઘટના બની ત્યારે હાજર સિક્યૉરિટી ગાર્ડે કહ્યું હતું કે મને તો વીસ જ દિવસ થયા છે અહીં ડ્યુટી પર.

આ ઘટનાની ફરિયાદ MHB કૉલોની પોલીસ-સ્ટેશનમાં કર્યા બાદ પોલીસે બિલ્ડિંગની મુલાકાત લીધી હતી. પોલીસે રહેવાસીઓ અને સિક્યૉરિટી ગાર્ડને વધુ સતર્ક રહેવા જણાવ્યું હતું. તેમણે રજિસ્ટરમાં મહિલાઓની એન્ટ્રી ન હોવા માટે ગાર્ડની ઊલટતપાસ પણ કરી હતી. અગાઉ પણ આ બિલ્ડિંગમાં ચોરીનો બનાવ બન્યો હતો, પરંતુ ચોરની કોઈ જાણ થઈ નહોતી. ફુટેજના આધારે પોલીસે મહિલા-ચોરની તપાસ શરૂ કરી છે.

borivali news mumbai crime news mumbai crime news mumbai police mumbai news