બોરીવલીનો ગુજરાતી વેપારી ત્રણ કરોડ રૂપિયા કઈ રીતે આપી બેઠો?

23 November, 2011 09:44 AM IST  | 

બોરીવલીનો ગુજરાતી વેપારી ત્રણ કરોડ રૂપિયા કઈ રીતે આપી બેઠો?



બોરીવલીના ચંદાવરકર રોડ પર આવેલા વિક્ટોરિયા પાર્કમાં ઑફિસ ધરાવતા ભાવિન અરવિંદ શાહ સાથે આંધ્ર પ્રદેશની એક કંપનીના નામે ૩,૧૧,૮૫,૦૫૦ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આર્થિક છેતરપિંડી કરવામાં અઠંગ ઉસ્તાદ રાઘવન ઉર્ફે રવિએ આ ટ્રાન્ઝૅક્શન ઇન્ટરનેટના માધ્યમથી ઑનલાઇન કરાવ્યું હતું અને એમ છતાં એ વિશે ભાવિન શાહને જાણ પણ નહોતી થઈ.

નજર સામે પેપર્સ છતાં અજાણ

કરોડો રૂપિયાની છેતરપિંડીના આ િક્સ્સામાં આંધ્ર પ્રદેશની જેડબ્લ્યુએસ કંપનીમાંથી ત્રણ કરોડ ૧૧ લાખનો માલ આપવાનું કહેનાર રાઘવને કરેલી છેતરપિંડી વિશે માહિતી આપતાં બોરીવલી પોલીસ-સ્ટેશનના એક ઑફિસરે કહ્યું હતું કે ‘રાઘવને ભાવિન શાહને વાયા ઇન્ટરનેટ બધાં ડૉક્યુમેન્ટ્સ મોકલ્યાં હતાં, જેમાં પ્રિલિમિનરી પ્રપોઝલથી લઈને અન્ય ડૉક્યુમેન્ટ્સનો પણ સમાવેશ છે. છેલ્લે તેણે પેમેન્ટ માટે પ્ર્રોફોમા ઇનવૉઇસ પણ ઑનલાઇન જ મોકલ્યું હતું. આ બધાં જ ડૉક્યુમેન્ટ્સ બનાવટી હતાં. જોકે પેમેન્ટ પણ બૅન્ક ટુ બૅન્ક હોવાથી ભાવિન શાહને આમાં કોઈ શંકા ગઈ નહોતી અને નજર સામે જ બધાં ડૉક્યુમેન્ટ્સ હોવા છતાંય છેતરાઈ ગયા હતા. રાઘવનનાં એ બધાં જ ડૉક્યુમેન્ટ્સ બનાવટી હતાં. ભાવિન શાહ દ્વારા કરોડો રૂપિયાની ડીલ થઈ હતી, પણ તેમને પેમેન્ટ મોકલવા સુધી કોઈ શંકા પડી નહોતી. માલની ડિલિવરી પેમેન્ટ બાદ હતી અને જ્યારે ડિલિવરી ન થઈ ત્યારે વધુ તપાસ કરતાં રાઘવન ફ્રૉડ હોવાનું જાણવા મળ્યું હતું.’

મુંબઈમાં ઍક્ટિવ

વેપાર-ધંધાની આંટીઘૂંટી જાણીને કઈ રીતે વેપારીને ફસાવી શકાય એ બાબતના ઉસ્તાદ રાઘવને આ પહેલાં પણ છેતરપિંડી કરી છે. મૂળ આંધ્ર પ્રદેશના રાઘવનના નામ પર મુંબઈની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગમાં પણ ગુના નોંધાયેલા છે. આ વિશે વધુ જણાવતાં ઑફિસરે કહ્યું હતું કે ‘રાઘવનના સાગરીત મનીષ ગંધારીના રોલ વિશે બહુ જાણ થઈ શકી નથી, જ્યારે આ કેસનો ત્રીજો આરોપી હનુમંત રાવ આંધ્ર બૅન્કનો બ્રાન્ચ-મૅનેજર છે. તેણે કઈ રીતે કંપનીનું બોગસ અકાઉન્ટ ખોલવા દીધું અથવા તે પણ શું આ કારસ્તાનમાં સંડોવાયેલો છે કે કેમ એની તપાસ અત્યારે ચાલી રહી છે. અમારી એક ટીમ આરોપીઓની શોધ માટે આંધ્ર પ્રદેશ જઈ રહી છે.’

શું બન્યું હતું?

બોરીવલીના ચંદાવરકર રોડ પરના વિક્ટરી બિલ્ડિંગમાં ભાવિન સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડની ઑફિસમાં જઈ પોતાને આંધ્ર પ્રદેશની જાણીતી સ્ટીલ કંપની જેડબ્લ્યુએસના પ્રતિનિધિઓ હોવાનું કહીને ભાવિન શાહને સ્ટીલ મટીરિયલ ઓછા ભાવે આપવાની લલચામણી ઑફર રાઘવન ઉર્ફે રવિ અને મનીષ ગંધારીએ કરી હતી. ત્યાર પછી ભાવિન શાહને વિશ્વાસમાં લઈ  ૩,૧૧,૮૫,૦૫૦ રૂપિયાની ડીલ કરી હતી. રાઘવને આંધ્ર પ્રદેશની આંધ્ર બૅન્કની રામપોયાદાવરમ બ્રાન્ચમાં જેડબ્લ્યુએસ સ્ટીલ કંપનીના નામનું એક બનાવટી ખાતું ખોલાવ્યું હતું. પછી તેણે ભાવિન સ્ટીલના અકાઉન્ટમાંથી ૩,૧૧,૮૫,૦૫૦ રૂપિયા આરટીજીએસ (રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ) સિસ્ટમ હેઠળ ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરી હતી.