એકને બદલે બે ફ્લૅટ લો : બોરીવલીના બિલ્ડરની લોભામણી લાલચ

07 December, 2011 06:22 AM IST  | 

એકને બદલે બે ફ્લૅટ લો : બોરીવલીના બિલ્ડરની લોભામણી લાલચ


(અંકિતા શાહ)

બોરીવલી, તા. ૭

નીતિન મહેતાને ૯ ડિસેમ્બર સુધીની પોલીસ-કસ્ટડી મળી છે. આ રીતે તેણે અનેક લોકોને ફસાવ્યા હોવાનું પોલીસનું માનવું છે.

એક પાસે આઠ ફ્લૅટની રકમ લીધી

નીતિન મહેતા પર એક જણ પાસેથી આઠ ફ્લૅટની રકમ લઈને એ ફ્લૅટ બીજાને વેચી દેવાનો આરોપ છે. જોકે એની ગઈ કાલે કોર્ટમાં ખબર પડી હતી. આવી રીતે અનેક લોકો સાથે છેતરપિંડી કરીને કરોડો રૂપિયા પડાવ્યા હોવાનો અને ધમકી આપવાનો પણ આરોપ તેના પર છે. બોરીવલીના પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રવીણ મોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નીતિન મહેતા સિદ્ધિવિનાયક બિલ્ડર અને અનામિકા રિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ધરાવે છે એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તે અનામિકા રિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડનો ડિરેક્ટર છે. સોમવારે તેની છેતરપિંડી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.’

૧૯૯૨માં બોરીવલી (વેસ્ટ)ના શિંપોલીના સિદ્ધિવિનાયક પ્લાઝામાં ફ્લૅટ નંબર ૫૦૧ ખરીદવા માટે મેં નીતિન મહેતાને ૬ લાખ ૭૫ હજાર રૂપિયા આપ્યા હતા એમ જણાવીને વાશદેવ સજનાણીએ કહ્યું હતું કે ‘ત્યાર બાદ તેણે મને ફ્લૅટનો અલૉટમેન્ટ લેટર આપ્યો હતો. ૧૯૯૪માં એ ફ્લૅટ વેચીને એ પૈસાથી બોરીવલી (વેસ્ટ)ના ચીકુવાડીમાં અને કાંદિવલી (વેસ્ટ)ના ઠાકુર કૉમ્પ્લેક્સના બેઝર ટાવરમાં એક-એક ફ્લૅટ આપવાની વાત તેણે મને ફોન પર કરી હતી. જોકે ત્યારે હું દુબઈમાં નોકરી કરતો હોવાથી મેં હા પાડી દીધી હતી.’

એક ફ્લૅટ અનેકને વેચ્યો

આ બધું થયા પછી નીતિન મહેતાએ મને બોરીવલી (વેસ્ટ)ના મક્યુર્રી બિલ્ડિંગમાં બે ફ્લૅટના અલૉટમેન્ટ લેટર ૧૯૯૪માં આપ્યા હતા, પણ ઍગ્રીમેન્ટ નહોતું બનાવ્યું એમ જણાવીને વાશદેવ સજનાણીએ વધુમાં કહ્યું હતું કે ‘જોકે અલૉટમેન્ટ લેટર બનાવવા માટે તેણે મારી પાસેથી એક લાખ રૂપિયા પણ લીધા હતા અને એની પાવતી આપી હતી. ત્યાર બાદ હું અને મારું કુટુંબ દુબઈમાં હોવાથી અમે ફક્ત તેની સાથે ફોન પર વાતચીત કરતા હતા. એ દરમ્યાન તેને મળીને એક વાર ફ્લૅટનો કબજો માગ્યો હતો. ત્યારે તે બન્ને સાઇટ પર કોર્ટમાં કેસ ચાલુ હોવાનું કહેતો હતો અને બાંધકામ થતાં થોડી વાર લાગશે એવું જણાવતો હતો. ૨૦૦૯માં નિવૃત્ત થતાં હું મુંબઈ આવ્યો. ત્યાર બાદ મેં સિદ્ધિવિનાયક ડેવલપર્સના નીતિન મહેતા અને વિનય મહેતાને મળીને ફ્લૅટનો કબજો આપવાની વાત કરી હતી. જોકે ત્યારે તેણે મક્યુર્રીમાં બે ફ્લૅટ આપવાની વાત કરી હતી. ૧૭ ઑગસ્ટ ૨૦૧૧માં મને જે બે ફ્લૅટ આપવાના હતા એને બદલે બીજા બે ફ્લૅટનું જ ઍગ્રીમેન્ટ બનાવી આપ્યું હતું અને સપ્ટેમ્બરના અંતમાં રજિસ્ટ્રેશન કરી આપશે એમ કહ્યું હતું. સપ્ટેમ્બર પૂરો થતાં મેં ફરી તેનો ફ્લૅટ માટે કૉન્ટૅક્ટ કર્યો હતો. ફરી તેણે કોર્ટમાં કેસ ચાલુ હોવાનું કહ્યું હતું. મને ફ્લૅટનો કબજો ન મળતાં મને શંકા ગઈ અને મેં મક્યુર્રી ટાવરના આર્કિટેક્ટર સાથે વાત કરતાં નીતિન ફ્રૉડ હોવાની મને ખબર પડી હતી અને એક ફ્લૅટ અનેક લોકોને વેચી માર્યો હોવાની જાણ થઈ હતી. ત્યાર બાદ તેણે પુણેમાં ફ્લૅટ આપવાની વાત કરી હતી એટલે હું બોરીવલી (ઈસ્ટ)ના કસ્તુરબા માર્ગ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો હતો, પણ તેમણે મને બોરીવલી પોલીસ-સ્ટેશનમાં જવા કહેતાં મેં ત્યાં જઈને ૨૨ નવેમ્બરે ફરિયાદ નોંધાવી હતી.’