બોરીવલીમાં ગુજરાતીના ઘરમાં ૧૫ લાખની ઘરફોડી

21 December, 2011 08:53 AM IST  | 

બોરીવલીમાં ગુજરાતીના ઘરમાં ૧૫ લાખની ઘરફોડી

 

પોલીસે ઘરફોડીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, પણ હજી સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી. શરદ જુઠાણી અને તેમનાં પત્ની તરલાબહેન ઘરમાં એકલાં રહેતાં હતાં. તેમનો દીકરો સામે આવેલા જય ભવાની બિલ્ડિંગમાં રહે છે. શરદભાઈ ઘરની પાછળની બાજુએ જ આવેલી ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સની ઑફિસમાં કામ કરે છે. તેઓ જમવા ઘરે આવતા હતા. ગઈ કાલે તરલાબહેન દીકરાની સાળીના ખબરઅંતર પૂછવા દવાખાને ગયાં હતાં એટલે ઘરે કોઈ નહોતું એનો ફાયદો ચોરોએ લીધો હતો. ગઈ કાલે સાંજે સાડાછ વાગ્યે શરદભાઈ ઘરે આવ્યા ત્યારે દરવાજાના તેમ જ તિજોરીનાં લૉક ખુલ્લાં હતાં.

શરદભાઈના પુત્રની પત્ની કોમલે આ વિશે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી બહેન છેલ્લા દોઢ મહિનાથી નાણાવટી હૉસ્પિટલમાં ઍડ્મિટ છે એટલે અમારો આખો પરિવાર પણ ભાગદોડમાં રહેતો હોય છે. ગઈ કાલે ઘરે કોઈ ન હોવાનો ફાયદો લઈને ચોરોએ ઘરફોડી કરી હતી. સોના-ચાંદીના દાગીના મળીને લગભગ ૧૫ લાખ રૂપિયાની વસ્તુઓની ચોરી થઈ છે. એમાં મારા પોતાના ૧૫ તોલાના દાગીના હતા, જ્યારે બે કિલોના ચાંદીના દાગીના હતા. અમારા ફ્લોર પર ત્રણ ઘર છે જેમાં એક તો બંધ રહે છે. અમારા પાડોશીને આ ચોરીની જાણ જ નહોતી થઈ; જ્યારે નીચે રહેતા રહેવાસીઓને કંઈક અવાજ આવી રહ્યો હતો, પણ તેમને લાગ્યું કે ઘરમાં કોઈ કિચનમાં કામ કરતું હશે.’

ત્રણ વર્ષ પહેલાં જ કલકત્તાથી મુંબઈ રહેવા આવેલા અને છેલ્લા દોઢ વર્ષથી આ બિલ્ડિંગમાં રહેતા જુઠાણીપરિવારને આ ચોરીને કારણે મોટો આઘાત લાગ્યો છે. ગઈ કાલે રાતના ૧૧ વાગ્યા સુધી પોલીસે ઘરના લોકો તેમ જ પાડોશીઓની પૂછપરછ કરી હતી.