મુંબઈ HCનો સરકારને વળતર ચૂકવવા આદેશ

26 December, 2018 01:05 PM IST  | 

મુંબઈ HCનો સરકારને વળતર ચૂકવવા આદેશ

પ્રતીકાત્મક તસવીર

જીવનના મૂળભૂત અધિકારોમાં સુરક્ષિતપણે જીવવાના હકનો પણ સમાવેશ થાય છે અને એ હકનું રક્ષણ કરવું એ રાજ્ય સરકાર તથા મહાપાલિકાની જવાબદારી છે એમ જણાવતાં મુંબઈ હાઈ કોર્ટે ડૉગીઓના હુમલાને કારણે મૃત્યુ પામેલા નાના બાળકનાં મમ્મી-પપ્પાને યોગ્ય વળતર ચૂકવવાનો નિર્ણય ૩૧ જાન્યુઆરી સુધીમાં લેવાનો આદેશ રાજ્ય સરકારને આપ્યો હતો. જો રાજ્ય સરકાર ૩૧ જાન્યુઆરી સુધીમાં નિર્ણય નહીં લે તો કોર્ટ પોતાની રીતે આદેશ આપશે એમ જણાવતાં મુંબઈ હાઈ કોર્ટે વધુમાં રાજ્ય સરકારને બાળકનાં મમ્મી-પપ્પાને તાત્કાલિક ધોરણે વચગાળાની રાહત તરીકે ૫૦ હજાર રૂપિયા (કેસ દાખલ થયાની તારીખથી આઠ ટકા વ્યાજ સાથે) કોર્ટમાં જમા કરાવવાનો વચગાળાનો આદેશ પણ સાંગલી મહાપાલિકાને આપ્યો હતો.

સાંગલી જિલ્લામાં વિશ્રામબાગ વિસ્તારમાં મારુતિ અને ધનમ્મા હાળેના પાંચ વર્ષના દીકરા પર ૨૦૧૩ની ૧૨ ડિસેમ્બરે રાત્રે રખડતા ડૉગીઓએ હુમલો કરતાં તેનું મૃત્યુ થયું હતું. મારુતિને લકવાની બીમારી હોવાથી ધનમ્મા પરિવારનું ભરણપોષણ કરે છે. મહાપાલિકાએ ડૉગીઓ પર નિયંત્રણ રાખ્યું ન હોવાથી તેમને પુત્ર ગુમાવવો પડ્યો હોવાનું જણાવી તેમણે ૨૦ લાખ રૂપિયાનું વળતર મેળવવા કેસ દાખલ કર્યો હતો. આ પ્રશ્ન સામાજિક હોવાનું ટાંકી હાઈ કોર્ટે તેને જનહિતની અરજીમાં રૂપાંતરિત કર્યો હતો. જોકે લાંબો સમય વિતવા છતાં કોઈ નિર્ણય લેવામાં ન આવતાં હાઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

bombay high court