લોકલ રેલવેનાં પંદર સ્ટેશનોએ ઇમર્જન્સી મેડિકલ સેન્ટરનું શું થયું?

05 November, 2014 03:25 AM IST  | 

લોકલ રેલવેનાં પંદર સ્ટેશનોએ ઇમર્જન્સી મેડિકલ સેન્ટરનું શું થયું?




મુંબઈમાં લોકલ ટ્રેન નેટવર્કમાં થતા નાના-મોટા રેલવે-ઍક્સિડન્ટ્સમાં રોજ સરેરાશ એક ડઝનથી વધુ વ્યક્તિનો ભોગ લેવાય છે. બૉમ્બે હાઈ કોર્ટે આવા ટ્રેન-ઍક્સિડન્ટ્સમાં ઈજાગ્રસ્તોને તત્કાળ સારવાર માટે મુંબઈ લોકલ નેટવર્કનાં ૧૫ સ્ટેશનોએ ઇમર્જન્સી મેડિકલ સેન્ટર ઊભાં કરવાનો આદેશ આપ્યો હોવા છતાં રેલવેએ કોઈ જ કામગીરી કરી ન હોવાથી કોર્ટે રેલવેનો ઊધડો લીધો હતો.

ખંડપીઠે કહ્યું હતું કે રેલવે-તંત્ર સંવેદનહીન છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે પહોંચાડવામાં કેટલો સમય લાગે છે એની જાણકારી માટે રેલવેના અધિકારીઓને જ ઍમ્બ્યુલન્સમાં બેસાડીને હૉસ્પિટલમાં લઈ જવાની જરૂર છે. સોમવાર સુધીમાં રેલવે યોગ્ય પ્રત્યુત્તર નહીં આપે તો કોર્ટ આદેશ આપશે એવું પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેવાયું હતું.

આ અગાઉ કુર્લા, થાણે, ડોમ્બિવલી, કલ્યાણ, કર્જત, વડાલા, વાશી, પનવેલ, ચર્ચગેટ, મુંબઈ સેન્ટ્રલ, બાંદરા, અંધેરી, બોરીવલી, વસઈ સહિતનાં મુંબઈ લોકલ રેલવે નેટવર્કનાં સ્ટેશનોએ ઇમર્જન્સી મેડિકલ સેન્ટરો ઊભાં કરવાની માગણી સાથેની જનહિતની અરજી બૉમ્બે હાઈ કોર્ટમાં કરવામાં આવી હતી. માર્ચ મહિનામાં થયેલી સુનાવણીમાં કોર્ટે ત્રણ મહિનામાં એનો વિચાર કરીને કેટલાં સેન્ટર ઊભાં કરાયાં એનો રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો હોવા છતાં રેલવેએ આ સંદર્ભે કોઈ જ કામગીરી કરી નથી એવી ફેરઅરજી કરવામાં આવી હતી. એની સુનાવણીમાં સોમવારે કોર્ટે રેલવેનો કાન આમળ્યો હતો.