બાઇક ટૅક્સી રૅપિડોની યાચિકા ઠુકરાવાઈ

21 January, 2023 07:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જસ્ટિસ ગૌતમ પટેલ અને એસ. જી. દિગેની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે બાઇક ટૅક્સી એગ્રિગેટર ફર્મની યાચિકામાં તેમને યોગ્યતા જણાઈ નથી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ (પી.ટી.આઇ.) : બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે રોપ્પેન ટ્રાન્સપોર્ટેશન સર્વિસિસ (રૅપિડો)ને બાઇક ટૅક્સી દોડાવવાનું લાઇસન્સ આપવાનો ઇનકાર કરવાના મહારાષ્ટ્ર સરકારે પસાર કરેલા આદેશને પડકારતી રૅપિડોની યાચિકા ઠુકરાવી દીધી હતી. આથી નજીકના ભવિષ્યમાં મુંબઈમાં બાઇક ટૅક્સી શરૂ થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે.

જસ્ટિસ ગૌતમ પટેલ અને એસ. જી. દિગેની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે બાઇક ટૅક્સી એગ્રિગેટર ફર્મની યાચિકામાં તેમને યોગ્યતા જણાઈ નથી.

પિટિશનર જેવી કોઈ એગ્રિગેટર કંપની કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કર્યા વિના કે લાઇસન્સ વિના બાઇક ટૅક્સી સર્વિસ ઑપરેટ કરવાની પરવાનગી મેળવવાની છૂટ આપવાનો દાવો કેવી રીતે કરી શકે એ અમે સમજી શકતા નથી એમ કોર્ટે જણાવ્યું હતું.

કોર્ટે વધુમાં કહ્યું હતું કે બાઇક ટૅક્સી સ્કીમ પર પૉલિસીની માગણી કરવી એ લાઇસન્સ માટેની તેમની અરજી ઠુકરાવવા માટે અપૂરતો આધાર છે એ દર્શાવવામાં પિટિશનર કંપની નિષ્ફળ નીવડી છે.

આ યાચિકા અમને યોગ્યતા જણાતી નથી એચલે અમે યાચિકા નામંજૂર કરીએ છીએ એમ અદાલતે એના આદેશમાં જણાવ્યું હતું.
હાઈ કોર્ટે યાચિકા નકારતા એના આદેશમાં નોંધ્યું હતું કે પિટિશનર કંપનીને માત્ર લાઇસન્સ ન હોવાને કારણે લાઇસન્સ આપવાનો ઇનકાર કરી દેવાયો એમ કહેવું યોગ્ય નહીં રહે. લાઇસન્સની માગણી કરતી પિટિશનરની અરજીમાં વિસંગતતાઓ રહેલી હતી. આથી કોર્ટે યાચિકા ફગાવી દીધી હતી.

mumbai mumbai news bombay high court