પતિ-પત્ની બન્ને હિન્દુ હોય તો જ હિન્દુ મૅરેજ ઍક્ટ હેઠળ છૂટાછેડાની અરજી શક્ય : હાઈ કોર્ટ

16 October, 2014 05:51 AM IST  | 

પતિ-પત્ની બન્ને હિન્દુ હોય તો જ હિન્દુ મૅરેજ ઍક્ટ હેઠળ છૂટાછેડાની અરજી શક્ય : હાઈ કોર્ટ



પોતાની ડિવૉર્સ પિટિશન ફગાવી દેવાના બાંદરાની ફૅમિલી કોર્ટના નર્ણિયને પડકારતી ૩૮ વર્ષના એક પારસી પતિની અપીલ ફગાવી દેતાં જસ્ટિસ વી. કે. તાહિલરામાણી અને જસ્ટિસ એ. આર. જોશીની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે પારસી પતિ હિન્દુ પત્ની સાથેના વિવાદમાં હિન્દુ મૅરેજ ઍક્ટ હેઠળ રાહત માગી ન શકે.

વર્ષ ૧૯૯૯માં લગ્ન હિન્દુ વિધિ પ્રમાણે થયાં હતાં અને પોતે જરથોસ્તી ધર્મ પાળતો હોવાનું તથા પત્ની હિન્દુ ધર્મ પાળતી હોવાનું અરજદાર પતિએ જણાવ્યું હતું. પત્ની ૨૦૦૬માં પતિનું ઘર છોડીને ચાલી ગઈ હોવાથી પાંચ વર્ષ પછી લગ્ન ફોક જાહેર કરવાની કરેલી અરજી ફૅમિલી કોર્ટે નામંજૂર કરી હોવાનું પતિએ જણાવ્યું હતું.

 હાઈ કોર્ટે ફૅમિલી કોર્ટનો ચુકાદો માન્ય રાખતાં જણાવ્યું હતું કે ‘દામ્પત્ય વિશેના કોઈ પણ વિવાદોમાં હિન્દુ મૅરેજ ઍક્ટ હેઠળ રાહત માગવા માટે બન્ને પક્ષો હિન્દુ હોવા જરૂરી છે. જો બન્નેમાંથી કોઈ એક જણ લગ્ન વખતે હિન્દુ હોય અને લગ્ન પછી તે ધર્મ બદલી નાખે એવા કેસમાં પણ હિન્દુ મૅરેજ ઍક્ટ લાગુ કરી ન શકાય.’