મરાઠાઓ માટે રાહતના સમાચાર

19 September, 2025 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકારના અનામતના નિર્ણયને પડકારતી જનહિતની અરજી બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી

રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી એ અરજી જનહિતની અરજી જ હોવાનું અરજદારનું કહેવું છે.

હૈદરાબાદ ગૅઝેટને માન્યતા આપીને એના આધારે મરાઠા કુણબીને અનામત આપવાના રાજ્ય સરકારના નિર્ણયને બૉમ્બે હાઈ કોર્ટમાં ઍડ્વોકેટ વિનીત ધોત્રે દ્વારા જનહિતની અરજી કરીને પડકારવામાં આવ્યો હતો. બૉમ્બે હાઈ કોર્ટે જનહિતની એ અરજી ગઈ કાલે ફગાવી દેતાં કહ્યું હતું કે આ અરજી જનહિતની અરજી તરીકે મેઇન્ટેઇન જ થતી નથી. જોકે એમ છતાં એને જો ફેરઅરજી કરીને સક્ષમ કોર્ટ પાસે દાદ માગવી હોય તો એ માટે એને મંજૂરી આપી હતી.

બૉમ્બે હાઈ કોર્ટે આ બદલ સામે સવાલ કરતાં કહ્યું હતું કે ‘અધર બૅકવર્ડ ક્લાસને આપવામાં આવેલી અનામતથી અરજદારને કઈ રીતે અસર પહોંચે છે? રાજ્ય સરકારના નિર્ણયને કારણે કોઈને નુકસાન થયું નથી. વળી આ અરજી મેઇન્ટેઇન જ થઈ શકે એમ નથી. જનહિતની અરજીના માધ્યમથી દરેક બાબતને પડકારી શકાય એવું નથી.’

બૉમ્બે હાઈ કોર્ટના આ નિર્ણયને હવે અરજદાર સુપ્રીમ કોર્ટમાં પડકારવાના છે. રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી એ અરજી જનહિતની અરજી જ હોવાનું અરજદારનું કહેવું છે. 

મરાઠાઓને હૈદરાબાદ ગૅઝેટના આધારે કુણબી સર્ટિફિકેટ 

હેદરાબાદ ગૅઝેટ એ ૧૯૧૮માં નિઝામના કાળમાં બહાર પાડવામાં આવેલો દસ્તાવેજ છે. એ વખતે નિઝામના રાજ્યમાં મરાઠાઓ મોટી સંખ્યામાં હતા, પણ તેમને સરકારી નોકરીમાં બહુ રાખવામાં આવતા નહોતા. એથી એ વખતના સત્તાધારીઓ દ્વારા મરાઠાઓ-કુણબીઓ માટે સરકારી નોકરીઓમાં અનામત રાખવામાં આવી હતી. એના જ આધારે હવે જે મરાઠાઓની વંશાવલીનો ઉલ્લેખ એ વખતના દસ્તાવેજમાં હોય તેમને કુણબી ગણીને કુણબી સર્ટિફિકેટ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. કુણબીનો ઑલરેડી અધર બૅકવર્ડ ક્લાસમાં સમાવેશ કરાયો હોવાથી તેમને હવે એ અનામતનો લાભ મળી શકશે. રાજ્ય સરકાર દ્વારા હવે વંશાવલીના પુરાવા ધરાવતા મરાઠાઓને કુણબીનાં સર્ટિફિકેટ આપવાનું ચાલુ કરી દેવાયું છે.

દેવાભાઉએ ખેડૂતો તરફ વધુ ધ્યાન આપવું જોઈએ : શરદ પવાર

મરાઠાઓને અનામત આપ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસને દેવાભાઉ તરીકે સંબોધીને કરવામાં આવેલી જાહેરાત બદલ ટોણો મારતાં શરદ પવારે ગઈ કાલે કહ્યું હતું કે ‘શિવાજી મહારાજે ખેડૂતોની જમીન ખેડાયા વગરની ન રહે એ માટે તેમને આર્થિક મદદ કરી હતી. આજે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને નુકસાન થયું છે ત્યારે સરકાર હવે ક્યારે પંચનામાં કરે છે અને ખરેખરી મદદ ક્યારે ખેડૂતોને પહોંચે છે એ જોઈએ. ખેડૂતો આ માટે સરકાર સામે મીટ માંડીને બેઠા છે એટલે દેવાભાઉએ આ બાજુએ પણ ધ્યાન આપવું જોઈએ.’ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સહિતની નગરપાલિકાઓની ચૂંટણીઓ સંદર્ભે વાત કરતાં શરદ પવારે કહ્યું હતું કે ‘નગરપાલિકાની ચૂંટણીઓમાં મહા વિકાસ આઘાડી બધે જ સાથે મળીને લડે એવું નથી. મહા વિકાસ આઘાડી સાથે મળીને જ લડશે એવું આજે ન કહી શકાય.’

૭૫ વર્ષની ઉંમરના નેતા બાબતે બોલવાનો મને કોઈ નૈતિક અધિકાર નથી : શરદ પવાર

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદ પવાર-SP)ના વડા અને મહારાષ્ટ્રના રાજકારણના મુત્સદ્દી નેતા શરદ પવારને ગઈ કાલે પત્રકાર પરિષદમાં એવો સવાલ કરવામાં આવ્યો કે ભારતીય જનતા પાર્ટી (BJP)ની પરંપરા અનુસાર લાલ કૃષ્ણ અડવાણી કે મુરલી મનોહર જોશી ૭૫ વર્ષના થયા એટલે સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લીધો હતો એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંન્યાસ લેવો જોઈએ? 
શરદ પવારે આનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘શું હું અટક્યો છું? હું ૮૫ વર્ષનો છું​ એટલે આ બાબતે મને નૈતિક રીતે કમેન્ટ કરવાનો કોઈ અધિકાર નથી.’

mumbai news mumbai maratha reservation sharad pawar bombay high court supreme court manoj jarange patil