ફાલ્ગુની પાઠકની નવરાત્રિને પડકારતી અરજી બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી

24 September, 2022 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અરજીમાં કરવામાં આવ્યો હતો કાંદિવલીના પ્રમોદ મહાજન સ્પોર્ટ‍્સ કૉમ્પ્લેક્સનો આર્થિક લાભ ઉઠાવાતો હોવાનો દાવો

ફાલ્ગુની પાઠકની નવરાત્રિને પડકારતી અરજી બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી

કાંદિવલી-વેસ્ટમાં (Kandivli west) આવેલા પ્રમોદ મહાજન સ્પોર્ટ‍્સ કૉમ્પ્લેક્સનો (Pramod Mahajan Sports Complex) વ્યાવસાયિક ઉપયોગ થતો હોવાથી મુંબઈ બીએમસીના (BMC Officials) અધિકારીઓને આના પર રોક લગાવવા માટેની જનહિતની અરજી બૉમ્બે હાઈ કોર્ટમાં (Bombay High Court) કરવામાં આવી હતી. આ અરજીમાં દાંડિયાક્વીન ફાલ્ગુની પાઠકના (Dandiya Queen Falguni Pathak) આયોજનને પણ પડકારવામાં આવ્યું હતું. કોર્ટે ગઈ કાલે આ અરજીને ફગાવી દીધી હતી. બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ માધવ જામદારની ખંડપીઠે આ સંબંધે કહ્યું હતું કે ‘અમારા ધ્યાનમાં આવ્યું છે કે નવરાત્રિમાં આ પ્રકારનાં આયોજનો થતાં હોય છે અને અરજી કરનારે માત્ર અહીં યોજાનારી નવરાત્રિને નિશાન બનાવી છે. અમારા મતે અરજીમાં વાસ્તવિકતાને ધ્યાનમાં નથી લેવામાં આવી એટલે આ અરજી માન્ય રાખવા જેવી નથી.’

પત્રકાર અને સામાજિક કાર્યકર વિનાયક યશવંત સાનપે ઍડ્વોકેટ મયૂર ફરિયાના માધ્યમથી બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં જણાવાયું હતું કે ‘પ્રમોદ મહાજન સ્પોર્ટ્‍સ કૉમ્પ્લેક્સ મુંબઈના ડેવલપમેન્ટ પ્લાન મુજબ રમતગમતનું મેદાન છે. અમારા ધ્યાનમાં આવ્યું છે કે આ મેદાનમાં ફાલ્ગુની પાઠકની ૧૦ દિવસની નવરાત્રિ માટે બિગ ટ્રી એન્ટરટેઇનમેન્ટ કંપની દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા ૮૦૦ રૂપિયાથી ૪,૨૦૦ રૂપિયા સુધીની ટિકિટો વેચવામાં આવી રહી છે. મુંબઈ બીએમસીના અધિકારીઓએ આ પ્રકારના આયોજનમાં સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટની ગાઇડલાઇન્સનું પાલન નથી કર્યું.’

રાજ્ય સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા અભય પત્કીએ દલીલ કરી હતી કે મહારાષ્ટ્ર રીજનલ ટાઉન પ્લાનિંગ (એમઆરટીપી) ઍક્ટની કલમ ૩૭એ મુજબ આ પરવાનગી આપવામાં આવી છે અને અરજી કરનારે એને અહીં પડકાર્યો નથી. 

આ પણ વાંચો : ફાલ્ગુની પાઠકનાં ગરબા ઇવેન્ટને લીલી ઝંડી, હાઇકૉર્ટે ફગાવી અરજી

આયોજક વતી વરિષ્ઠ ઍડ્વોકેટ મુકેશ વશીએ કોર્ટમાં કહ્યું હતું કે ‘બીએમસીએ બોરીવલીના સાંઈ ગણેશ વેલ્ફેર અસોસિએશનને નવરાત્રિના આયોજન માટેની પરવાનગી આપી છે. અરજી કરનારે આ અસોસિએશનને પડકાર્યું નથી. ૨૬ ઑગસ્ટે આયોજનની મંજૂરી મળી હતી અને નવરાત્રિ પહેલાંની તમામ તૈયારીઓ પૂરી દેવામાં આવી છે. નવરાત્રિમાં મુંબઈમાં અનેક જગ્યાએ આયોજન થયાં છે ત્યારે બધાં આયોજનોને પડકારવાને બદલે અરજી કરનારે છેલ્લી ઘડીએ અમારા આયોજન સામે જ અરજી દાખલ કરી છે.’

Mumbai mumbai news falguni pathak navratri