સત્યમેવ જયતે શબ્દના ઉપયોગ વિશે આમિર ખાન ને સ્ટાર ટીવી પાસે હાઈ કોર્ટે જવાબ માગ્યો

12 March, 2016 04:57 AM IST  | 

સત્યમેવ જયતે શબ્દના ઉપયોગ વિશે આમિર ખાન ને સ્ટાર ટીવી પાસે હાઈ કોર્ટે જવાબ માગ્યો



બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે ઍક્ટર આમિર ખાન અને સ્ટાર ટીવીને જનહિતની એક  અરજીના પગલે સત્યમેવ જયતે શબ્દ એક ટીવી-પ્રોગ્રામમાં વાપરવા બદલ નોટિસ આપી હતી. અરજદાર મનોરંજન રૉયે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે સત્યમેવ જયતે શબ્દ ભારતના ચિહ્નનો એક ભાગ છે એથી એનો ઉપયોગ એ સ્ટેટ એમ્બલમ ઑફ ઇન્ડિયા (પ્રોહિબિશન ઍન્ડ ઇમ્પ્રોપર યુઝ) ઍક્ટ અને સ્ટેટ એમ્બલમ ઑફ ઇન્ડિયા (રેગ્યુલેશન ઑફ યુઝ)ના નિયમનો ભંગ છે. 

એ વિશે કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ અરજીને અનુલક્ષીને કરેલી પિટિશનમાં કહ્યું હતું કે સત્યમેવ જયતે શબ્દનો ઉપયોગ કાયદા અને નિયમનો ભંગ નથી. ગૃહવિભાગના અન્ડર સેક્રેટરી પ્રદીપ પાંડેએ કહ્યું હતું કે ‘કાયદો અને નિયમો આ શબ્દના દુરુપયોગની મનાઈ કરે છે અને સમગ્ર રાષ્ટ્રીય ચિહ્નના ઉપયોગની મનાઈ કરે છે, પરંતુ એના કોઈ એક ભાગનો ઉપયોગ કરનારા સામે પગલાં લેવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી એથી સત્યમેવ જયતે શબ્દનો ટીવી-પ્રોગ્રામમાં ઉપયોગ થયો એમાં કાયદાનો કોઈ ભંગ થયો નથી.’

કોર્ટે કહ્યું હતું કે જો ભવિષ્યમાં કોઈ આ શબ્દનો નહીં, સમગ્ર ચિહ્નનો ઉપયોગ કરે તો તમે એને કાયદાનો ભંગ માનશો?

આ અરજી વિશે જસ્ટિસ અભય ઓેક અને જસ્ટિસ જી. એસ. કુલકર્ણીએ વધારાના સૉલિસિટર જનરલ અનિલ સિંહને ૨૦ એપ્રિલે કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. હાઈ કોર્ટે સ્ટાર ટીવી અને આમિર ખાનને પણ ૨૦ એપ્રિલ સુધી પોતાનું ઍફિડેવિટ ફાઇલ કરવા જણાવ્યું છે.

સામાજિક મુદ્દાઓ વિશેનો ‘સત્યમેવ જયતે’ ટીવી-પ્રોગ્રામ સ્ટાર ટીવી પર ૨૦૧૨ અને ૨૦૧૪  દરમ્યાન પ્રસારિત થયો હતો.