30 July, 2024 01:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે હાઈ કોર્ટ
બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે યોગગુરુ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ કંપનીને એક વચગાળાના આદેશના ઉલ્લંઘનના કેસમાં ચાર કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ વચગાળાના આદેશમાં પતંજલિ આયુર્વેદને એનાં કપૂર સંબંધિત ઉત્પાદનોને વેચવાની મનાઈ કરવામાં આવી હતી. આ કેસ મંગલમ ઑર્ગેનિક્સ સાથે ચાલી રહેલા ટ્રેડમાર્કના ઉલ્લંઘનને લગતો છે. બૉમ્બે હાઈ કોર્ટમાં જસ્ટિસ આર. આઇ. ચાગલાએ મંગલમ ઑર્ગેનિક્સની વચગાળાની અરજી પર આ દંડ ફટકાર્યો હતો. આ પહેલાં ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં પતંજલિને એનાં કપૂર સંબંધિત ઉત્પાદનો વેચવા પર રોક લગાવી હતી. એ સમયે કોર્ટે પતંજલિ આયુર્વેદને કોર્ટમાં પચાસ લાખ રૂપિયા ભરી દેવા આદેશ આપ્યો હતો જે પતંજલિએ ભરી દીધા હતા. એક ઍફિડેવિટમાં પતંજલિએ કોર્ટમાંથી બિનશરતી માફી માગી લીધી હતી અને ભવિષ્યમાં કોર્ટના આદેશનું પાલન કરવાની ખાતરી આપી હતી. આમ છતાં પતંજલિ આયુર્વેદ એનાં કપૂરનાં ઉત્પાદનોનું વેચાણ ચાલુ રાખતાં મંગલમ ઑર્ગેનિક્સે ટ્રેડમાર્કના ઉલ્લંઘન મુદ્દે વચગાળાની અરજી કરી હતી. એણે જણાવ્યું હતું કે ખાતરી આપવા છતાં પતંજલિ આયુર્વેદ કપૂરનાં ઉત્પાદનો દુકાનોમાં અને ઑનલાઇન વેચી રહી છે.