ફક્ત વૉટ્સઍપ ચૅટના આધારે છૂટાછેડા ન આપી શકાય

05 March, 2026 07:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાઈ કોર્ટે કહ્યું હતું કે ફૅમિલી કોર્ટ આ મામલે નવેસરથી નિર્ણય લે અને અલગ થયેલું દંપતી મધ્યસ્થી દ્વારા સમાધાન કરવાની શક્યતા પર વિચાર કરે.

પ્રતીકાત્મક તસવીર

વૉટ્સઍપ ચૅટને કેટલી હદ સુધી આધારભૂત પુરાવો માનવો એ અંગે બૉમ્બે હાઈ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપતાં નોંધ્યું હતું કે ફક્ત વૉટ્સઍપ ચૅટના આધારે ક્રૂરતા થઈ હોવાનું માનીને જીવનસાથીને તેનો પક્ષ મૂકવાની તક આપ્યા વિના છૂટાછેડા આપી શકાય નહીં.

જસ્ટિસ ભારતી ડાંગરે અને મંજુષા દેશપાંડેની બેન્ચે ગયા અઠવાડિયે નાશિક જિલ્લા ફૅમિલી કોર્ટ દ્વારા ક્રૂરતાના આધારે પત્ની પાસેથી છૂટાછેડા માગતી એક પુરુષ દ્વારા દાખલ કરાયેલી અરજીને મંજૂરી આપતા આદેશને રદ કર્યો હતો.

મહિલાએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં ફૅમિલી કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો અને દાવો કરવામાં આવ્યો હતો કે આદેશ એકતરફી હતો અને તેને વિરોધ કરવાની કે દલીલ રજૂ કરવાની તક આપવામાં આવી નહોતી.

ફૅમિલી કોર્ટે ગયા મે મહિનામાં પોતાના આદેશ માટે પતિ દ્વારા રજૂ કરાયેલી વૉટ્સઍપ ચૅટનો આધાર લીધો હતો જેમાં પત્નીએ માગણી કરી હતી કે તેઓ અલગ રહેવા માટે નાશિકથી પુણે જતા રહે. મેસેજમાં તેણે સાસુ અને નણંદ સામે અપમાનજનક ટિપ્પણીઓ પણ કરી હતી.

ફૅમિલી કોર્ટે નોંધ્યું હતું કે આવા દબાણને કારણે પતિ ક્રૂરતાનો ભોગ બન્યો હતો અને તેથી તે છૂટાછેડા માટે હકદાર છે. હાઈ કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે ફક્ત વૉટ્સઍપ ચેટ પર આધાર રાખીને છૂટાછેડા મંજૂર ન થઈ શકે તેમ જ પત્નીને સુનાવણી કરવાની અને પુરાવા રજૂ કરવાની તક મળવી જોઈએ.

હાઈ કોર્ટે કહ્યું હતું કે ફૅમિલી કોર્ટ આ મામલે નવેસરથી નિર્ણય લે અને અલગ થયેલું દંપતી મધ્યસ્થી દ્વારા સમાધાન કરવાની શક્યતા પર વિચાર કરે.

mumbai news mumbai whatsapp bombay high court mumbai high court sex and relationships