કાંદિવલીની KES ઇન્ટરનૅશનલ સ્કૂલમાં બૉમ્બ મુકાયો હોવાની બોગસ ઈ-મેઇલ

28 January, 2025 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્કૂલમાં પૅનિક ‌ન ફેલાય એટલે સ્કૂલના વિદ્યાર્થીઓને સવારના પહેલા લેક્ચર પછી છોડી મુકાયા હતા. ઝીણવટભરી પોલીસ તપાસ પછી પણ કશું મળી આવ્યું નહોતું.

પ્રતીકાત્મક તસવીર

ઓશિવરાની રાયન ગ્લોબલ સ્કૂલને ગુરુવારે મ‍ળેલી ધમકીભરી ઈ-મેઇલ બાદ હવે કાંદિવલી-વેસ્ટમાં આવેલી KES ઇન્ટરનૅશનલ સ્કૂલના ઑફિશ્યલ ઈ-મેઇલ આઇડી પર ગઈ કાલે સ્કૂલમાં બૉમ્બ મુકાયો હોવાની ઈ-મેઇલ આવી હતી. પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે કે બન્ને ઈ-મેઇલ એક જ ઈ-મેઇલ આઇડી પરથી મોકલવામાં આવી છે. સ્કૂલમાં પૅનિક ‌ન ફેલાય એટલે સ્કૂલના વિદ્યાર્થીઓને સવારના પહેલા લેક્ચર પછી છોડી મુકાયા હતા. ઝીણવટભરી પોલીસ તપાસ પછી પણ કશું મળી આવ્યું નહોતું. 

આ બાબતે માહિતી આપતાં કાંદિવલી પોલીસ-સ્ટેશનના ઑફિસરે કહ્યું હતું કે ‘એ ધમકીભરી ઈ-મેઇલ સ્કૂલના ઈ-મેઇલ આઇડી પર સવારે પાંચ વાગ્યે મોકલવામાં આવી હતી, જ્યારે સ્કૂલના સ્ટાફે ૮ વાગ્યે ચેક કરી ત્યારે એના વિશે જાણ થઈ હતી. તરત જ અમને આ બાબતે જણાવવામાં આવ્યું હતું. એથી અમારી એક ટીમ સ્કૂલ પહોંચી હતી અને અમે તરત જ બૉમ્બ ડિટેક્શન ઍન્ડ બૉમ્બ ડિસ્પૉઝલ સ્ક્વૉડને જાણ કરી હતી. તેમની ટીમ પણ સ્નિફર ડૉગ અને અન્ય ચેકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે સ્કૂલ પર પહોંચી ગઈ હતી. એમ કહેવાયું હતું કે એક બૅગમાં બૉમ્બે છે એથી એવી નધણિયાતી બૅગ શોધવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા. ઝીણવટભરી તપાસ પછી પણ કશું શંકાસ્પદ મળી આવ્યું નહોતું. પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું કે આ પહેલાં ગયા અઠવાડિયે જે આઇડી પરથી રાયન સ્કૂલને ઈ-મેઇલ મોકલવામાં આવી હતી એ‌‌ના પરથી જ આ ઈ-મેઇલ પણ મોકલવામાં આવી છે. એથી આ બન્ને ઈ-મેઇલ મોકલનાર એ વ્યક્તિની હવે પોલીસ શોધ ચલાવી રહી છે.

kandivli oshiwara Education bomb threat mumbai police news mumbai mumbai news