બૉલીવુડના ફિલ્મ-લેખક અને ફોટોગ્રાફરની બોરીવલીમાં હત્યા

15 September, 2012 09:17 AM IST  | 

બૉલીવુડના ફિલ્મ-લેખક અને ફોટોગ્રાફરની બોરીવલીમાં હત્યા



ગઈ કાલે બપોરે સાડાબાર વાગ્યે તેમની ડેડબૉડી બોરીવલીમાં આવેલા તેમના સ્ટુડિયોમાંથી મળી આવી હતી. એમએચબી પોલીસનાં સૂત્રોએ કહ્યું હતું કે સ્ટુડિયોમાં રાખેલા અમુક દાગીના પણ ગુમ છે, એટલે કદાચ ચોરીના આશયથી તેમની હત્યા કરવામાં આવી હોઈ શકે. જોકે પોલીસને તેમના ગળા પર નિશાન પણ મળી આવ્યાં હતાં. ૬૫ વર્ષના નવરાજ કવાત્રા હિન્દી ફિલ્મનાં પ્રખ્યાત લેખિકા અમિ્રતા પ્રીતમના પુત્ર છે.

એમએચબી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ કિલજેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે સાડાબાર વાગ્યે આઇસી કૉલોનીમાં આવેલી વાઇલ્ડરનેસ સોસાયટીમાં બે અજ્ઞાત યુવકો નવરાજ કવાત્રાને મળવા આવ્યા હતા, એથી વૉચમૅને તેમને જવા દીધા હતા. સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા ૬૫ વર્ષના સિનિયર સિટિઝન નવરાજ કવાત્રા ગઈ કાલે તેમના સ્ટુડિયોમાં એકલા હતા ત્યારે આ યુવકોએ તેમના સ્ટુડિયોમાં ઘૂસીને તેમના હાથ દોરડાથી બાંધી દીધા હતા અને ગળું દબાવીને તેમની હત્યા કરી હતી. ગળું દબાવતી વખતે નવરાજે ચીસ પાડી હતી. ચીસનો અવાજ સાંભળીને બહાર આવેલી તેમની ઉપરના ફ્લોર પર રહેતી બે મહિલાઓએ આ યુવકોને ઘરમાંથી બહાર આવતા જોયા હતા. મહિલાએ ચોર-ચોર કહીને બૂમો પાડી ત્યારે આ યુવકો ભાગી છૂટ્યા હતા. તેમના ઘરમાં તપાસ કરતાં તેઓ બેહોશ અવસ્થામાં મળી આવ્યા હતા. તેમને તરત જ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને તપાસીને મૃત્યુ પામેલા ઘોષિત કર્યા હતા.’

ઝોન-૧૧ના ડેપ્યુટી પોલીસ-કમિશનર મહેશ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવરાજ કવાત્રા અંધેરીમાં લોખંડવાલા વિસ્તારમાં રહેતા હતા અને દર અઠવાડિયે તેઓ તેમના બોરીવલીના ફ્લૅટમાં બનાવેલા સ્ટુડિયોમાં આવતા હતા.’

એમએચબી પોલીસ-સ્ટેશનના સૂત્રે કહ્યું હતું કે ઘરમાંથી લગભગ લાખો રૂપિયાના દાગીના ગુમ થયા છે એથી કદાચ તેમની હત્યા ચોરીના આશયથી કરવામાં આવી હોઈ શકે.

એમએચબી = મહારાષ્ટ્ર હાઉસિંગ બોર્ડ આઇસી  = ઇમૅક્યુલેટ કૉન્સેપ્શન