બોઇસરના માછીમારે ભાગ્યે જ જોવા મળતી માછલીઓને બચાવીને ફરી દરિયામાં છોડી

14 January, 2022 10:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોઇસરસ્થિત એક માછીમારે તારાપુર ગામના દરિયાકિનારે મળી આવેલી બે ફિનલેસ પોર્પોઇઝ જેની દરેકની ૩ ફુટની લંબાઈ હતી તેમને બચાવીને ફરી દરિયામાં છોડી મૂકી હતી. ૩૧ વર્ષનો માછીમાર જગદીશ વિંદે ભાગ્યે જ જોવા મળતી બે ફિનલેસ પોર્પોઇઝ માછલીઓને બચાવવામાં સફળ રહ્યો છે

તારાપુરના દરિયાકિનારે માછીમારની જાળમાં ફસાઈ ગયેલી બે ફિનલેસ પોર્પોઇઝને બચાવીને ફરીથી દરિયામાં છોડવામાં આવી હતી.


મુંબઈ : બોઇસરસ્થિત એક માછીમારે તારાપુર ગામના દરિયાકિનારે મળી આવેલી બે ફિનલેસ પોર્પોઇઝ જેની દરેકની ૩ ફુટની લંબાઈ હતી તેમને બચાવીને ફરી દરિયામાં છોડી મૂકી હતી. ૩૧ વર્ષનો માછીમાર જગદીશ વિંદે ભાગ્યે જ જોવા મળતી બે ફિનલેસ પોર્પોઇઝ માછલીઓને બચાવવામાં સફળ રહ્યો છે. આ બીજી વખત છે જ્યારે દરિયાકિનારે આવી જીવંત ફિનલેસ પોર્પોઇઝ મળી આવી હતી, જ્યારે સામાન્ય રીતે દરિયાકિનારે ફિનલેસ પોર્પોઇઝ, ડૉલ્ફિન અને વ્હેલ મૃત અવસ્થામાં જ મળી આવતી હોય છે. 
હું ઘટનાસ્થળે દોડી ગયો, એમ જણાવતાં જગદીશ વિંદે કહ્યું હતું કે ‘હું તેમને બચાવવા દોડ્યો અને તેમને રેસ્ક્યુ કરવામાં સફળ રહ્યો હતો. જોકે તેઓ ડૉલ્ફિન જેવી દેખાતી હતી, એ પછીથી પુષ્ટિ થઈ કે એ ફિનલેસ પોર્પોઇઝ છે. સમય બગાડ્યા વગર મેં બે સસ્તન પ્રાણીઓને પાણીમાં છોડ્યાં અને તેઓ તરત જ સમુદ્રમાં અદૃશ્ય થઈ ગયાં હતાં.’ 
પાલઘરની દાંડેકર કૉલેજના પ્રાણીશાસ્ત્રી પ્રોફેસર ભૂષણ ભોઇરે જણાવ્યું હતું કે ‘ફિનલેસ પોર્પોઇઝ એ દરિયાઈ સસ્તન પ્રાણી છે અને એ દરિયાઈ સિટેશિયનની સ્થળાંતરિત પ્રજાતિઓ છે. સસ્તન પ્રાણીઓ વારંવાર પ્રજનન માટે ભારતના ગરમ મહાસાગરોમાં આવે છે. આ સિટેશિયન તેના ખોરાકની શોધમાં પાણીમાં આવ્યા હોવા જોઈએ, જ્યારે તેઓ દરિયાકિનારે જીવન માટે સંઘર્ષ કરી રહ્યાં હતાં ત્યારે તેને જીવતદાન મળ્યું હતું. માછીમાર પ્રશંસાપાત્ર છે, જેણે તેમને ફરીથી દરિયામાં છોડી દીધા હતા. દરિયાઈ જીવવિજ્ઞાનીઓના મતે ડૉલ્ફિન અને પોર્પોઇઝ એકસરખા દેખાય છે, પરંતુ પોર્પોઇઝનું મોઢું નાનું હોય છે અને કોદાળીના આકારના દાંત હોય છે. ડૉલ્ફિનને વક્ર ડોર્સલ ફિન હોય છે, જ્યારે પોર્પોઇઝમાં ત્રિકોણાકાર ડોર્સલ ફિન હોય છે. દરિયામાં કચરો અને ગંદું પાણી છોડવાને કારણે, જાળમાં ફસાઈ જવાથી અથવા જહાજો, ઑઇલ સ્પીલ અને અન્ય સાથે અથડાયા પછી ઈજાઓ થવાને કારણે દરિયાઈ સસ્તન પ્રાણીઓનું જીવન જોખમમાં છે.’

mumbai mumbai news