રાજાવાડી હૉસ્પિટલમાંથી ૨૩ વર્ષના યુવકની લાશ ગાયબ

11 June, 2020 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજાવાડી હૉસ્પિટલમાંથી ૨૩ વર્ષના યુવકની લાશ ગાયબ

તિલકનગર પોલીસે અજાણ્યા અધિકારી અને રાજાવાડી હૉસ્પિટલના મોર્ગ ઇન્ચાર્જ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, જ્યારે હત્યાનો ભોગ બનેલા ૨૩ વર્ષની વ્યક્તિની લાશ ૪થી ૭ જૂન વચ્ચે ગુમ થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મેહરાજ શેખ ગોવંડીનો રહેવાસી હતો. ૩ જૂનના રોજ ત્રણ લોકોએ છરીથી હુમલો કર્યો હતો અને મેહરાજને રાજાવાડી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

તેને ગંભીર ઈજાઓ સાથે રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તે જ રાત્રે તેનું મોત નીપજ્યું હતું. પોસ્ટમૉર્ટમ પહેલાં કોવિડ -૧૯ ટેસ્ટ કરાવવું ફરજિયાત છે, તેથી તેનો મૃતદેહ હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શેખની હત્યાની તપાસ કરી રહેલા દેવનાર પોલીસે શેખનો કોવિડ રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ પોસ્ટમૉર્ટમ માટે લાશ લેવા રાજાવાડી હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓને લાશ મોર્ગમાંથી ગાયબ જોવા મળી હતી.

શેખના ભાઈ સિરાજે તિલકનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ૪ થી ૭ જૂન દરમ્યાન તમામ મૃતદેહોના પરિવારજનોને સોંપેલ અથવા અંતિમસંસ્કાર કરાયેલા રેકૉર્ડની પણ તપાસ કરી રહી છે.

ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ શશી મીનાએ જણાવ્યું હતું કે અમે ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. એફઆઇઆરમાં હજી સુધી કોઈનું નામ લેવામાં આવ્યું નથી. અમારે એવા લોકોની વિગત શોધી કાઢવાની જરૂર છે કે જેઓ મોર્ગ સંભાળી રહ્યા હતા તેમ જ ટીમની દેખરેખ કોણ રાખી રહ્યા હતા.

mumbai mumbai news rajawadi hospital