20 January, 2026 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૂવામાંથી બહાર કાઢવામાં આવેલી શશીકુમારની ડેડ-બૉડી.
થાણેના ઘોડબંદર રોડ પરના તુર્ફેપાડામાં રવિવારે વહેલી સવારે ૨૦ વર્ષના શશીકુમાર નાકોડીનો મૃતદેહ કૂવામાંથી મળતાં ખળભળાટ મચ્યો હતો. આ મુદ્દે કાસારવડવલી પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. શશીકુમાર દિવ્યાંગ હતો અને તે તુર્ફેપાડામાં મમ્મી સાથે રહેતો હતો. શનિવારે બપોરે તે પાણી ભરેલી બાલદી ઘરે મૂકીને ગયો હતો એટલે તે કૂવાની આસપાસ હોવાની શંકા જણાતાં એ વિસ્તારમાં તપાસ કરવામાં આવી ત્યારે શશીકુમારની ડેડ-બૉડી કૂવામાં જોવા મળી હતી. શશીકુમારનું મૃત્યુ કૂવામાં પડી ગયા બાદ ડૂબી જવાથી થયું છે કે અન્ય કોઈ કારણે થયું છે એની તપાસ કરવામાં આવી રહી છે.
કાસારવડલીના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શશીકુમારે શનિવારે બપોરે પાણી ભરેલી બાલદી ઘરે રાખ્યા બાદ તે ગુમ થઈ ગયો હતો. મોડી સાંજ સુધી તે ઘરે ન આવ્યો ત્યારે તેની મમ્મી અને પાડાશીઓએ તેની શોધખોળ કરી હતી. પાડોશીઓને શંકા ગઈ હતી કે તે કદાચ ફરી પાછો પાણી ભરવા માટે કૂવા પાસે ગયો હશે એટલે કૂવા નજીક શોધખોળ કરતાં કૂવામાં તેનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં સુધરાઈની ટીમે મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલમાં અમે અકસ્માત મૃત્યુની નોંધ કરી છે અને આ મામલામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’
કલ્યાણના હાઈ પ્રોફાઇલ મોહન પ્રાઇડ બિલ્ડિંગમાં રવિવારે એક લગ્ન નિમિત્તે પીઠી ચોળવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એ પછી આયોજિત કરવામાં આવેલા ભોજન-સમારંભમાં જમ્યા બાદ મહેમાનો સહિત વાગ્દત્તા, તેની બહેન અને તેની મમ્મીને પણ ખોરાકી ઝેરની અસર થઈ હતી. કુલ ૧૦૦થી ૧૨૫ જણને મોળ ચડવી, ઊલટી થવી અને પેટમાં ચૂંક આવવાની તકલીફ થઈ
હતી. એથી તેમને નજીકની હૉસ્પિટલ અને દવાખાનામાં લઈ જવાયાં હતાં અને લગ્ન પણ મુલતવી રાખવામાં આવ્યાં હતાં. ખડકપાડા પોલીસે આ સંદર્ભે એ ખાવાનું બનાવનાર મૂળ અમદાવાદના કેટરર (રસોઈ કરનાર મહારાજ)ને તાબામાં લીધો હતો અને ખાવાનાં સૅમ્પલ કલેક્ટ કરી લૅબોરેટરીમાં ચેકિંગ માટે મોકલાવ્યાં હતાં. ખડકપાડા પોલીસ-સ્ટેશનના જણાવ્યા અનુસાર સારવાર-આપ્યા બાદ મહેમાનોની તબિયત સુધારા પર જણાતાં તેમને રજા આપવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ પણ ગંભીર રીતે બીમાર થયું નથી.