નંદુરબારમાં 13 પ્રવાસી સાથેની બોટ ઊંધી વળી : ત્રણનાં મૃત્યુ, ચાર લાપતા

11 March, 2020 09:31 AM IST  |  Nandurbar

નંદુરબારમાં 13 પ્રવાસી સાથેની બોટ ઊંધી વળી : ત્રણનાં મૃત્યુ, ચાર લાપતા

નદીમાં ઊંધી વળી ગયેલી બોટમાંથી પડી ગયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરતા માછીમારો.

મહારાષ્ટ્ર-ગુજરાત રાજ્યની સીમા નજીક હોળીના આનંદમાં ભંગ પડીને માતમ છવાયાની ઘટના બની હતી. નવાપુર પરિસરમાં આવેલા ઉચ્છલ ખાતે તાપી નદીના બૅકના પાણીમાં બોટ ઊંધી વળી જતાં ૧૩ જણ ડૂબી ગયા હતા. આમાંથી ત્રણ જણ મૃત્યુ પામ્યા હતા, જ્યારે ચારનો મોડી રાત સુધી પત્તો નહોતો લાગ્યો. બોટમાંથી પાણીમાં પડી ગયેલા ૬ લોકોને સ્થાનિક માછીમારોએ ઉગારી લીધા હતા.

મળેલી માહિતી મુજબ હોળીની રજામાં ગુજરાતના ઉચ્ચલ તાલુકાના સુંદરપુર ખાતે એક કુટુંબ ફરવા માટે આવ્યું હતું. આ પરિવારે ઉકાઈ ડેમમાં બોટિંગ કરવા માટે એક બોટ લીધી હતી. બોટિંગ કરતી વખતે ભિંતખુદ ગામ પાસે જોરદાર પવન આવતા બોટ અનિયંત્રિત થઈને ઊંધી વળી જતાં એમાં બેઠેલા તમામ પ્રવાસી પાણીમાં ડૂબવા લાગ્યા હતા.

પ્રવાસીઓ સાથેની બોટ ઊંધી વળવાની જાણ થયા બાદ સ્થાનિક માછીમારો અને અન્ય લોકો બચાવકામ માટે દોડી આવ્યા હતા. તેમણે ૬ લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. ત્રણ મૃતદેહ હાથ લાગ્યા હતા, પરંતુ બીજા ચાર લોકોનો પત્તો નહોતો લાગ્યો. નવાપુર પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનોએ બાકીના લોકોને શોધવાના પ્રયાસ ચાલુ રાખ્યા હતા, પરંતુ રાતનો સમય થવાથી તેમને સફળતા નહોતી મળી.

બોટ કેવી રીતે ઊંધી વળી અને એમાં પ્રવાસ કરનારા પરિવારની માહિતી નવાપુર પોલીસ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

maharashtra holi mumbai news