18 August, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થાણેમાં BMW ભડભડ બળી
થાણેના ઘોડબંદર રોડ પર ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યે ઘોડબંદરથી થાણે તરફ જતી લેનમાં BMW કાર સળગી ગઈ હતી. પ્રેમનારાયણ સિંહ તેમની કારમાં ઓવળાના લોઢા સ્પ્લેન્ડોરાથી માનપાડા જઈ રહ્યા હતા ત્યારે કાસારવડવલી સિગ્નલ પાસે મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રના શોરૂમ સામે કારમાં આગ લાગી હતી. જોકે તેમણે સમયસૂચકતા વાપરીને તરત કાર સાઇડમાં પાર્ક કરી દીધી હતી. તે અને તેમની સાથેના એક સાથીપ્રવાસી કારમાંથી તરત ઊતરીને દૂર જતા રહ્યા હતા. થોડી ક્ષણોમાં કાર ભડભડ બળવા માંડી હતી. એ ઘટનાની જાણ ફાયર-બ્રિગેડને કરવામાં આવતાં તેમણે આગ ઓલવી દીધી હતી, પણ એ પહેલાં કારને ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું. સદ્ભાગ્યે આગમાં કોઈને ઈજા થઈ નહોતી. આ ઘટનાને કારણે ઘોડબંદર રોડની થાણે તરફ જતી લેન ૧ કલાક સુધી બંધ કરી દેવાતાં વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. કાર ત્યાંથી હટાવી લીધા બાદ ટ્રાફિક ક્લિયર થયો હતો.