૬ વર્ષમાં ૬ કાર

16 December, 2014 04:57 AM IST  | 

૬ વર્ષમાં ૬ કાર


છેલ્લાં ૬ વર્ષમાં સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅનના હોદ્દા પરની વ્યક્તિને ૬ કાર ફાળવવામાં આવી છે. કાયદા પ્રમાણે સરકારી કાર ૧૦ વર્ષ સુધી અને ૨.૪૦ લાખ કિલોમીટર દોડે ત્યાર પછી એને ધીમે-ધીમે ઉપયોગમાંથી દૂર કરવી જોઈએ, પરંતુ સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅનની બાબતે આ નિયમ નેવે મૂકીને તેમના પ્રત્યે ઉદારતા દર્શાવવામાં આવી છે.  સુધરાઈની સ્ટૅન્ડિંગ કમિટી બંધારણીય સમિતિ હોવાથી એના ચૅરમૅનને સત્તાવાર રીતે કાર આપવામાં આવે છે. આ ચૅરમૅનને આપવામાં આવતી સગવડ વિશે પ્રાપ્ત માહિતી અનુસાર ૨૦૦૮ના વર્ષથી વહીવટી તંત્રે આ કમિટીના ચૅરમૅન તરફ પક્ષપાત કર્યો છે. આ કમિટીના ચૅરમૅન માટે સુધરાઈ વહીવટી તંત્રે ૬ જુદી-જુદી કાર ખરીદી છે.

આમાંથી મોટા ભાગની કાર રાહુલ શેવાળે સંસદસભ્ય બન્યા એ પહેલાં તેમના સ્ટૅન્ડિંગ કમિટીના અધ્યક્ષપદના કાર્યકાળ દરમ્યાન બદલવામાં આવી હતી. તેઓ ૪ વર્ષ સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન રહ્યા હતા. અત્યારે એના ચૅરમૅન યશોધર ફણસે માટે વહીવટી તંત્રે સ્ટૅન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત મૂક્યા વગર જ ૮ લાખ રૂપિયાની નવી મહિન્દ્ર સ્કૉર્પિયો ખરીદી છે.નિયમ મુજબ પાંચ લાખ રૂપિયાથી વધુની કોઈ પણ બાબતની દરખાસ્ત સ્ટૅન્ડિંગ કમિટી સમક્ષ મૂકીને મંજૂરી મેળવવી અનિવાર્ય હોય છે, પરંતુ એ માટે મંજૂરી મેળવવામાં આવી નથી.આમાંની છએછ કાર દર બે વર્ષે બદલવામાં આવી હતી. એ રીતે કોઈ પણ કાર ૧૦ વર્ષ કે ૨.૪૦ લાખ કિલોમીટર ચલાવવાના રાજ્ય સરકારના નિયમનો ભંગ થાય છે. એ બન્ને બાબતો ફરજિયાત છે. એક આધારભૂત સૂત્રે જણાવ્યું હતું કે ફણસે જે સ્કૉર્પિયો કાર વાપરે છે એ ૨૦૦૭માં ખરીદવામાં આવી હતી અને અત્યાર સુધીમાં ૧.૫૦ લાખ કિલોમીટરથી થોડું વધારે દોડી ચૂકી છે.

સ્ટૅન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ શેવાળેએ છેલ્લે ૫.૫૦ લાખ રૂપિયાની ટૉયોટા ઇટિયોઝ કાર વાપરી હતી. જોકે એ કારને નુકસાન થતાં એપ્રિલમાં એને ગૅરેજમાં મોકલી દેવાઈ હતી. ફણસે માટે સ્કૉર્પિયો ખરીદવામાં આવી એ પહેલાં તેમણે સ્વિફ્ટ ડિઝાયર વાપરી હતી, પરંતુ તેમને એ કારમાં પ્રવાસ કરવામાં બહુ મઝા ન આવી એટલે તેમણે સુધરાઈના પ્રશાસનને નવી કાર આપવાની રિક્વેસ્ટ કરી હતી.આ કારોની લહાણી વિશે સુધરાઈમાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર આંબેરકરે જણાવ્યું હતું કે ‘કૉર્પોરેશન ચલાવવામાં સ્ટૅન્ડિંગ કમિટીની ભૂમિકા મહત્વની હોવાથી સુધરાઈનું પ્રશાસન તેમને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપે છે. જોકે નિયમો બધા માટે સરખા હોય. સૌએ નિયમો પાળવા જોઈએ. સુધરાઈમાં નાગરિકોના કોઈ પણ પ્રશ્ન પર ધ્યાન આપવામાં આવતું નથી અને શિવસેના કારને વધુ મહત્વ આપે છે.’