આ ચોમાસામાં તમે પૂરથી ‘તરી’ જશો?

23 May, 2022 07:43 AM IST  |  Mumbai | Prajakta Kasale

બીએમસી ભારે વરસાદની સ્થિતિમાં લોકોને ઍપ દ્વારા આપશે ફ્લડની વૉર્નિંગ. જોકે સુધરાઈના અધિકારીઓનું કહેવું છે કે આ સિસ્ટમમાં ચૂક થવાની શક્યતા ૩૫ ટકા છે

૨૦૨૧ની ૧૬ જૂને પાણીથી તરબોળ પરેલના હિન્દમાતા જંક્શનમાં એક મહિલાને મદદ કરી રહેલો બીએમસીનો કર્મચારી.


મુંબઈ : આ ચોમાસાથી ભારે વરસાદની સ્થિતિમાં શહેરીજનોને પૂરની સ્થાનિક ચેતવણી આપવામાં આવશે. આ માહિતી નાગરિકો માટે ઉપયોગી નીવડી શકે છે. જોકે બીજી તરફ બીએમસીની ફ્લડ વૉર્નિંગ સિસ્ટમમાં ચૂક થવાની ૩૫ ટકા શક્યતા રહે છે. બીએમસીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હજી ચોકસાઈપૂર્ણ આગાહી કરવા માટે તમામ ડેટા એકઠો કરવો બાકી છે. આમ છતાં તેમણે વૉર્નિંગ સિસ્ટમ શરૂ કરવાનું નક્કી કર્યું છે.
ફ્લડ વૉર્નિંગ સિસ્ટમ ૨૦૨૦માં શરૂ થઈ હતી, પણ એ બીએમસીના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ વિભાગ પૂરતી સીમિત રખાઈ હતી. આ વર્ષે બીએમસીએ સિસ્ટમને એની ચોમાસાની ઍપ સાથે જોડવાની યોજના કરી છે, જે દર ૧૫ મિનિટે શહેરનાં ૬૦ સ્થળોની વરસાદની અપડેટ્સ આપે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘ઍપ-એમસીજીએમ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ જૂન પહેલાં લૉન્ચ કરવામાં આવશે અને એનું નામ બદલાય એવી પણ સંભાવના છે. સાથે જ એમાં ઑટોમૅટિક વેધર સ્ટેશન્સના વરસાદના ડેટાની માહિતી, ભરતીનો સમય અને મોજાંની ઊંચાઈની વિગતો પણ હશે.’
ફ્લડ વૉર્નિંગ સિસ્ટમ પૂરનાં સંભવિત સ્થળો વિશે છથી ૭૨ કલાક આગોતરી અલર્ટ્સ મોકલશે. પાણીની ઊંડાઈ, તમામ ૨૪ વૉર્ડમાં સ્થળ અનુસાર સમસ્યારૂપ વિસ્તારોની માહિતી અપાશે.
બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આગાહી આબોહવાના ડેટા અને મૉડલ્સ તથા સ્થળની વિગતો, કૉન્ટૂર મૅપિંગ, વરસાદી પાણીનો નિકાલ કરતાં નદી-નાળાંની ઊંડાઈ જેવા ડેટા પર આધારિત છે. કૉન્ટૂર મૅપિંગ ૨૦૦૭માં કરવામાં આવ્યું હતું અને હવે એને અપડેટ કરવાની જરૂર છે. અન્ય ડેટામાં પણ ઘણી વિગતો ખૂટે છે. આથી જ આગાહી ચોક્કસ નથી થઈ શકતી.’ 
અધિકારીએ ઉમેર્યું હતું કે ‘મુંબઈ જેવા ગતિશીલ શહેરમાં કોઈ ડેટા ૧૦૦ ટકા ચોકસાઈપૂર્ણ ન હોઈ શકે. આથી અમે ૩૫ ટકા ચૂકના ડિસ્ક્લેમર સાથે આ ચોમાસાથી ફ્લડ વૉર્નિંગ સિસ્ટમ શરૂ કરવાનું નક્કી કર્યું છે.’
ચેન્નઈના નૅશનલ સેન્ટર ફૉર કોસ્ટલ રિસર્ચે ભારતીય હવામાન વિભાગ (આઇએમડી), નૅશનલ સેન્ટર ફૉર મિડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રૉપિકલ મિટિયરોલૉજી પાસેના ડેટાનો ઉપયોગ કરીને સિસ્ટમ તૈયાર કરી છે.

mumbai news brihanmumbai municipal corporation