સોશ્યલ મીડિયા માટે પાલિકા રોજ વેડફશે 60 હજાર રૂપિયા

24 August, 2019 10:26 AM IST  |  મુંબઈ

સોશ્યલ મીડિયા માટે પાલિકા રોજ વેડફશે 60 હજાર રૂપિયા

 મુંબઈ મહાનગરપાલિકાનાં વિકાસકામોની માહિતી તથા ફરિયાદો સાંભળવા માટે પાલિકામાં વિવિધ માધ્યમો અને ડિપાર્ટમેન્ટ ઉપલબ્ધ હોવા છતાં પાલિકાએ આ કામનો કૉન્ટ્રૅક્ટ હવે એક પ્રાઇવેટ કંપનીને આપી દીધો છે. આ કંપનીને ત્રણ વર્ષ માટે કુલ ૬ કરોડ ૭૧ લાખ ૧૪ હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે એટલે કે રોજના અંદાજે ૫૦થી ૬૦ હજાર રૂપિયા માત્ર સોશ્યલ મીડિયા સંભાળવા માટે અપાશે. બુધવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ પ્રસ્તાવના વિરોધને બાજુએ મૂકી મંજૂરી આપવામાં આવી હતી.

મુંબઈ મહાનગરપાલિકાનાં કામોની માહિતી લોકો સુધી પહોંચે તથા શહેરમાં કોઈ પણ જગ્યાએ નાગરિકોને પડતી તકલીફ તેઓ સોશ્યલ મીડિયાના માધ્યમથી પાલિકા સુધી પહોંચાડી શકે એ માટે અગાઉ જ બીએમસી દ્વારા ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપ અકાઉન્ટ કાર્યરત છે. આ તમામ સોશ્યલ મીડિયા હૅન્ડલ કરવા માટે પાલિકા દ્વારા કર્મચારીની ભરતી કરી તેમને સારો પગાર પણ આપવામાં આવે છે, પણ હવે બીએમસીને વધુ ઝડપી અને હાઇટેક બનાવવા આ કામનું પ્રાઇવેટાઇઝેશન કરવાનો નિર્ણય લેવાતાં જનતાના પૈસાનું પાણી થશે એ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે.

મહારાષ્ટ્ર માહિતી ટેક્નિકલ ઑથોરિટી (મહાઆઇટી) દ્વારા ૩૫ લોકોનો મેનપાવર ઊભો કરી તેમને આગામી ત્રણ વર્ષ માટે ૬ કરોડનું ફન્ડ ફાળવવામાં આવ્યું છે.

 

brihanmumbai municipal corporation mumbai