19 June, 2024 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોરીવલી (વેસ્ટ)માં સ્ટેશનની બહાર એસ. વી. રોડ પર પાણીપૂરી વેચી રહેલો ફેરિયો. (સતેજ શિંદે)
સામાન્યપણે રેલવે પરિસર અને એની આજુબાજુમાં ખાણીપીણીના ખૂમચા, સ્ટૉલ્સ લાગતા હોય છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) તેમની સામે કાર્યવાહી કરતી હોય છે. ઘણી જગ્યાએ, ઘણાં સ્ટેશનો પર એવું જોવા મળ્યું છે કે BMCનો ઑફિશ્યલ ટાઇમ સાંજે ૬ વાગ્યે પૂરો થઈ જતો હોવાથી ખૂમચાવાળા, સ્ટૉલવાળા ત્યાર બાદ તેમના સ્ટૉલ લગાડે છે જે મોડી રાત સુધી ચાલતા રહે છે. જોકે હવે એ સાંજે લાગતા સ્ટૉલ પર પણ કાર્યવાહી થવાની છે. દિવસના સમયે BMCની વૉર્ડ ઑફિસ એના પર કાર્યવાહી કરશે, જ્યારે સાંજ પછી BMCના જે સાત ઝોન છે એ ઝોન-વાઇઝ કાર્યવાહી કરાશે. આ કાર્યવાહી સાંજે ૬થી ૯ વાગ્યા દરમ્યાન કરવામાં આવશે. આ માટે ઝોનલ ઑફિસિસ અને અતિક્રમણ નિર્મૂલન વિભાગને BMCના ડેપ્યુટી કમિશનર (સ્પેશ્યલ) કિરણ દિઘાવકરે આદેશ આપ્યા છે.
કિરણ દિઘાવકરે આ બાબતે કહ્યું હતું કે ‘મૉન્સૂનમાં જો ખુલ્લામાં રખાયેલો ખોરાક ખાવામાં આવે તો બીમારી ફેલાતી હોય છે એટલે સાવચેતીના પગલે રેલવે-પરિસરમાં ફૂડ-આઇટમ વેચનાર દરેક સામે આ કાર્યવાહી કરવામાં આવશે. એથી દરેક ઝોનમાં લાઇસન્સ ડિપાર્ટમેન્ટ અને અતિક્રમણ વિભાગની ખાસ ટીમ બનાવી આ સ્ટ્રીટ-ફૂડ વેચનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.’