પ્રૉપર્ટી ટૅક્સમાં માફી નહીં

03 December, 2020 07:58 AM IST  |  Mumbai | Prajakta Kasale

પ્રૉપર્ટી ટૅક્સમાં માફી નહીં

પ્રતીકાત્મક તસવીર

સખત નાણાંકીય તંગીનો સામનો કરતી મુંબઈ મહાનગર પાલિકાએ પ્રૉપર્ટી ટૅક્સમાં રાહત આપવાના બધા વિચારો પડતા મૂક્યા છે. આ વર્ષથી દરેક બાબતનો પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરશે. શિવસેના અગાઉ ચૂંટણીના જાહેરનામામાં ૫૦૦ સ્ક્વેર ફૂટથી નાના ઘરનો પ્રૉપર્ટી ટૅક્સ માફ કરવાનો મુદ્દો હવે હવામાં ઊડી ગયો છે. કોઈ પણ છૂટછાટ વગર સર્વસામાન્ય રીતે દરેક પાસે પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવાના બીએમસીના નિર્ણયને પગલે અન્ય રાજકીય પક્ષો વિવાદ જગાવીને હોબાળો મચાવે એવી શક્યતા છે.

રોગચાળાને કારણે પ્રોપર્ટી ટૅક્સ સદંતર માફ કરવાની પણ માગણી કરવામાં આવી હતી,  પરંતુ બીએમસી સમક્ષ રાજ્ય સરકારે કોઈ સ્પષ્ટતા કરી નહોતી. હાલના સમયમાં બીએમસીની આવકનાં સાધનોમાં અગ્રેસરતામાં બીજા ક્રમે આવતો પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વર્ષ ૨૦૨૦-૨૦૨૧ના બજેટ એસ્ટિમેટ મુજબ પ્રોપર્ટી ટૅક્સ દ્વારા ૬,૭૬૮ કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. એ રકમ પાલિકાની કુલ આવકનો એક ચતુર્થાંશ હિસ્સો છે. સામાન્ય રીતે પ્રોપર્ટી ટૅક્સના બિલોનું વિતરણ એપ્રિલ મહિનામાં કરવામાં આવે છે અને વહેલાં બિલ ભરનારને બે ટકા ડિસ્કાઉન્ટ પણ પાલિકા જાહેર કરે છે, પરંતુ આ વર્ષે માર્ચ મહિનામાં રોગચાળાનું લૉકડાઉન જાહેર કરવામાં આવતાં સામાજિક સંસ્થાઓ અને રાજકીય નેતાઓએ પ્રૉપર્ટી ટૅક્સ માફ કરવાની માગણી કરી હતી. એ માગણીના અનુસંધાનમાં મુંબઈ મહાનગર પાલિકાએ રાજ્ય સરકારને પત્ર લખીને સ્પષ્ટતા માગી હતી. એ બાબતે રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રમાં સ્પષ્ટતાની અપેક્ષા મુંબઈ મહાનગર પાલિકાના અધિકારીઓ રાખતા હતા. તેમને કોઈ જવાબ ન મળતાં હવે પ્રૉપર્ટી ટૅક્સ લેવાનો નિર્ણય લીધો છે. પ્રૉપર્ટી ટૅક્સના બિલો ટૂંક સમયમાં મોકલવામાં આવનાર હોવાનું એડિશનલ મ્યુનિસપલ કમિશનર પી.વેલારાસુએ જણાવ્યું હતું. 

mumbai mumbai news brihanmumbai municipal corporation prajakta kasale