04 December, 2024 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોણ, ક્યાં કચરો ફેંકે છે એ મૉનિટર કરીને મુંબઈને ચકાચક રાખવા કૅમેરા બેસાડવાનું કર્યું નક્કી : બોરીવલી, મલાડ, ગોરેગામ અને અંધેરીથી શરૂ થનારો પાઇલટ પ્રોજેક્ટ સફળ રહેશે તો આખી સિટીમાં CCTV કૅમેરા લગાવવામાં આવશે : જોકે કચરો ફેંકનારા પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એની હજી અસ્પષ્ટતા
સાર્વજનિક જગ્યાએ ગંદકી કરતા લોકોને રોકવા માટે BMCએ હવે CCTV કૅમેરા ગોઠવવાનો નિર્ણય લીધો છે. હાલ એ માટેનો પાઇલટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે જેમાં વેસ્ટર્ન સબર્બ્સનાં બોરીવલી, મલાડ, ગોરેગામ અને અંધેરીમાં કુલ ૧૨૦ કૅમેરા બેસાડવામાં આવશે. બોરીવલીના આર-સેન્ટ્રલ વૉર્ડમાં સૌથી વધુ ૫૦ કૅમેરા બેસાડવામાં આવશે. એક વાર આ પાઇલટ પ્રોજેક્ટ સફળ થશે ત્યાર બાદ આખા મુંબઈમાં ગમે ત્યાં કચરો ફેંકનારાઓ પર નજર રાખવા તબક્કાવાર CCTV કૅમેરા બેસાડવામાં આવશે. મલાડના પી-નૉર્થમાં ૪૦, અંધેરીના કે-વેસ્ટમાં ૨૫ અને ગોરેગામના પી-સાઉથમાં પાંચ કૅમેરા બેસાડવા ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.
CCTV કૅમેરાને કારણે એ જાણી શકાશે કે ક્યાં, ક્યારે અને કોણે કચરો કે કાટમાળ નાખ્યો છે. BMC એના ફોટો અને લોકેશન એ વૉર્ડના સંબંધિત ઑફિસરોને મોકલશે, જેથી તેમને એ કચરો ઉપાડી લેવામાં સરળતા રહે. આ ઉપરાંત એ CCTV કૅમેરાને નજીકની BMCની સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટની ઑફિસમાં લાગેલી સ્ક્રીન પર પણ મૉનિટર કરી શકાશે. એથી એના કર્મચારીઓ પણ લેટેસ્ટ ઇન્ફર્મેશન મેળવીને સફાઈનાં પગલાં લઈ શકશે. જોકે એ કચરો ફેંકનાર પર કોઈ દંડાત્મક પગલાં લેવાશે કે નહીં એ વિશે BMC દ્વારા કોઈ ચોખવટ કરવામાં આવી નથી.