મુંબઈને ટ્રાફિકમાંથી મળશે આઝાદી! BMC કરશે આ અનોખો ઉપાય

13 June, 2022 05:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

BMCના આ પગલાથી મુંબઈમાં પાર્કિંગની સમસ્યા ઘણી હદ સુધી હલ થવાની આશા જાગી છે

પ્રતીકાત્મક તસવીર

પાર્કિંગની સમસ્યાનો સામનો કરી રહેલા મુંબઈગરાંને રાહત આપવા BMCએ પહેલ કરી છે. BMCએ ફોર્મ ભરીને પાર્કિંગની સુવિધા ન ધરાવતા લોકોની યાદી મગાવી છે. પાર્કિંગની સમસ્યાના નિરાકરણ માટે, BMC એક સર્વે કરી રહી છે, તે જ અંતર્ગત BMCએ સોસાયટીઓને જરૂરિયાત મુજબ માહિતી આપવા જણાવ્યું છે. આ પહેલથી BMC સોસાયટીની નજીક પાર્કિંગ ઉપલબ્ધ કરાવી શકશે.

BMCના આ પગલાથી મુંબઈમાં પાર્કિંગની સમસ્યા ઘણી હદ સુધી હલ થવાની આશા જાગી છે. કેટલીકવાર લોકોને રસ્તા પર વાહનો પાર્ક કરવા બદલ ભારે દંડ ભરવો પડે છે. આ સાથે તોફાની તત્વો વાહનોને પણ નુકશાન કરે છે. જો પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ હશે તો લોકોએ દંડ ભરવો પડશે નહીં. તેમ જ કાર સુરક્ષિત રહેશે.

પાર્કિંગ માટે જગ્યા આપવામાં આવશે

BMCના એક અધિકારીએ જણાવ્યું કે “BMC દ્વારા જે પાર્કિંગ બનાવવામાં આવશે તેની ફી એક વર્ષ પહેલા સોસાયટીઓ પાસેથી એડવાન્સમાં લેવામાં આવશે. સોસાયટીથી 500 મીટરના અંતરે પાર્કિંગની સુવિધા આપવામાં આવશે. અધિકારીએ કહ્યું કે મુંબઈમાં કેટલી પાર્કિંગની જરૂર છે તે જાણવા માટે સર્વે કરવામાં આવી રહ્યો છે. સોસાયટી ફોર્મ ભરીને જણાવશે કે પાર્કિંગ માટે કેટલા વાહનોની જરૂર છે, તે મુજબ આગળની વ્યૂહરચના ઘડવામાં આવશે. સોસાયટીઓમાં પાર્કિંગની સુવિધાના અભાવે ઘણી વખત લોકો રોડની બાજુમાં વાહનો પાર્ક કરી દે છે જેના કારણે ટ્રાફિકને અસર થાય છે.

તમામ 24 વોર્ડમાં સુવિધા ઉપલબ્ધ થશે

મુંબઈમાં સતત વધી રહેલા ટ્રાફિકને રોકવા માટે પાર્કિંગની સમસ્યા હલ કરવી જરૂરી છે. જે સોસાયટીઓમાં પાર્કિંગની સુવિધા નથી, તેમને અગ્રતાના ધોરણે પાર્કિંગ આપવામાં આવશે. આ સુવિધા મુંબઈના તમામ 24 વોર્ડમાં ઉપલબ્ધ હશે. પાર્કિંગ માટેની જમીન વોર્ડના મદદનીશ કમિશનર દ્વારા આપવામાં આવશે. પાર્કિંગ દરમિયાન વાહનોની વિગતો અને સુરક્ષાની જવાબદારી સોસાયટીઓના હોદ્દેદારોની રહેશે.

53 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ બનાવાશે

દક્ષિણ મુંબઈમાં પાર્કિંગની મોટી સમસ્યા છે. હુતાત્મા ચોક સંકુલમાં આવેલી જૂની પાર્કિંગ જગ્યાને ડેવલપ કરીને અહીં અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ બનાવવામાં આવશે. આ પાર્કિંગની ક્ષમતા હાલમાં 56 વાહનો પાર્ક કરવાની છે. અંડરગ્રાઉન્ડ પાર્કિંગ બન્યા બાદ તેમાં 200 વાહનો પાર્ક કરી શકાશે. આના માટે 53 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. એ જ રીતે, માટુંગા પૂર્વમાં સ્ટેશનની નજીક BMC પાર્કિંગ લોટ છે, ત્યાં રોબોટિક એલિવેટેડ પાર્કિંગ બનાવવાની યોજના છે. હાલમાં અહીં 100 વાહનો પાર્ક થઈ શકે છે. નવું પાર્કિંગ બન્યા બાદ અહીં 400 વાહનો પાર્ક કરી શકાશે.

mumbai mumbai news brihanmumbai municipal corporation