ધારાવીના એક પૉઝિટિવ પેશન્ટને સુધરાઈએ ઘરે જ રહેવાનું કહ્યું

05 May, 2020 09:58 AM IST  |  Mumbai | Samiullah Khan

ધારાવીના એક પૉઝિટિવ પેશન્ટને સુધરાઈએ ઘરે જ રહેવાનું કહ્યું

તસવીર: સુરેશ કારકેરા

ધારાવીમાં ૧૮૦ ફુટના ઘરમાં રહેતા અને કિડનીની તકલીફને લીધે ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા ૩૫ વર્ષના એક શખસને ૧ મેએ કોરોનાનાં લક્ષણ હોવાનું જણાઈ આવતાં તેને ઘરમાં જ ક્વૉરન્ટીન થવાનું કહેવામાં આવ્યું છે. તેની ૩૨ વર્ષની પત્ની તેમના નાના ઘરમાં કોરોનાગ્રસ્ત પતિને અલાયદી જગ્યા નહીં ફાળવી શકાય એમ હોવાથી તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાવવા સરકારી ઑફિસોનાં પગથિયાં ઘસી રહી છે પણ તેની રજૂઆતને ગણતરીમાં નથી લેવાઈ રહી. હવે બન્યું છે એવું કે એ દરદીને કારણે તેના પરિવારજનો જ નહીં, પણ એસઆરએ મકાનમાં રહેતા ૯૨ પરિવારને માથે જોખમ છે અને એથી તેઓમાં ગભરાટ ફેલાયો છે. દરદીની પત્નીએ કહ્યું હતું કે ‘મેં ઘણી વાર કોરોના હેલ્પલાઇન પર ફોન કર્યો હતો. તેમણે મને વિગતો પૂછી હતી. મેં જ્યારે તેમને કહ્યું તક મારા પતિમાં કોરોનાનાં લક્ષણ છે ત્યારે તેમણે તેને હોમ-ક્વૉરન્ટીન થવાનું કહ્યું. મેં તેમને કહ્યું કે અમારી સાથે અમારાં વૃદ્ધ માતા-પિતા રહે છે અને અમારું ઘર બહુ જ નાનું છે છતાં તેમણે કોઈ દરકાર નહોતી લીધી. મારા પતિને દર ત્રીજા દિવસે ડાયાલિસિસ કરાવવું પડે છે. અમારા મકાનમાં અન્ય ડાયાલિસિસના એક દરદીને હૉસ્પિટલમાં દાખલ કરાયો છે પણ મારા પતિને કેમ દાખલ કરતા નથી એ જ સમજાતું નથી.’

તેમના એક પારિવારિક મિત્રએ કહ્યું કે ‘ઘરમાં તેને ક્વૉરન્ટીન કરવું શક્ય નથી. સત્તાવાળાઓએ આ બાબતે ધ્યાન આપવું જોઈએ અને તેમને મદદ કરવી જોઈએ. પરિવારની આર્થિક સ્થિતિ પણ સારી નથી. દરદીના પિતા નેવીમાંથી નિવૃત્ત થયા છે અને તેઓ જ ઘરનું ગુજરાન ચલાવે છે. હવે તેમણે મુંબઈ પોલીસને મદદ કરવા જણાવ્યું છે.’

coronavirus covid19 mumbai dharavi samiullah khan