પાલિકાએ બોમ્બે હાઈકોર્ટને કહ્યું, ‘સોનુ સૂદ રીઢો ગુનેગાર છે’

13 January, 2021 01:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પાલિકાએ બોમ્બે હાઈકોર્ટને કહ્યું, ‘સોનુ સૂદ રીઢો ગુનેગાર છે’

સોનુ સૂદ (ફાઈલ તસવીર)

લૉકડાઉનમાં ગરીબ અને મજુરોના મસીહા બનેલા બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) સતત ચર્ચામાં હતા. પણ અત્યારે અભિનેતા મુશ્કેલીમાં સંડોવાયેલ છે. બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (BMC)નું સોનુ સૂદ પ્રત્યે કડક વલણ દેખાઈ રહ્યું છે. બોમ્બે હાઇકોર્ટમાં ફાઈલ થયેલા એફિડેવિટમાં પાલિકાએ કહ્યું કે, ‘સોનુ સૂદ રીઢો ગુનેગાર છે. જે અગાઉની બે વખતની તોડફોડની કાર્યવાહી છતાં જુહુમાં એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ કરાવતો રહે છે’.

પાલિકાએ ગયા વર્ષે ઓક્ટોબરમાં અભિનેતા સોનુ સૂદને નોટિસ આપી હતી. તેણે આ નોટિસને ડિસેમ્બરમાં કોર્ટમાં પડકારી હતી, પણ તેની યાચિકા રિજેક્ટ થઇ હતી. ત્યારબાદ તેણે બોમ્બે હાઇકોર્ટનો સહારો લીધો. તેના પર હાઇકોર્ટે પાલિકાને એફિડેવિટ ફાઈલ કરવા કહ્યું હતું. પાલિકાએ એફિડેવિટમાં કહ્યું કે પિટિશનર (સોનુ સૂદ) આદતથી ગુનેગાર છે અને ગેરકાયદેસર રીતે પૈસા કમાવા ઈચ્છે છે. તેમણે લાઇસન્સ વિભાગની અનુમતિ વગર ઘ્વસ્ત કરાયેલા ભાગનું ફરીવાર ગેરકાયદેસર રીતે નિર્માણ કરાવ્યું, જેથી તે હોટલ તરીકે યુઝ થઇ શકે.

તમને જણાવી દઈએ કે, પાલિકા તરફથી કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સોનુ સૂદે મુંબઈમાં એ. બી. નાયર રોડ સ્થિત શક્તિ સાગર બિલ્ડિંગને પરમિશન વગર હોટલ બનાવી દીધી છે. શક્તિ સાગર છ માળની એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે અને તેનો કમર્શિયલ ઉપયોગ કરી શકાય નહીં. આ મહારાષ્ટ્ર રિઝન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટના સેક્શન 7 હેઠળ દંડનીય અપરાધ છે. એવો પણ આરોપ છે કે, સોનુ નોટિસ મળ્યા બાદ પણ બિલ્ડિંગમાં સતત ગેરકાયદેસર બાંધકામ કરાવતો રહ્યો.

દરમિયાન મંગળવારે સાંજે સોનુ સૂદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને મળ્યો હતો. બન્ને વચ્ચે અંદાજે અડધો કલાક સુધી વાતચીત ચાલી હતી. સૂત્રોએ આપેલી માહિતી મુજબ, સોનુ સૂદે શરદ પવારને કહ્યું હતું કે તેણે કોઈ ગેરકાયદેસર બાંધકામ નથી કર્યું. અમુક લોકો તેને બદનામ કરવા ઈચ્છે છે.

mumbai mumbai news sonu sood brihanmumbai municipal corporation bombay high court